મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અમદાવાદ સહિત ચાર મહાનગરપાલિકાઓને 502 જેટલા વિકાસકાર્યો માટે રૂ.1,664 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સાથે ચાર નગરપાલિકાઓ ભૂગર્ભ ગટર યોજના કામો માટે રૂ.67.70 કરોડ ફાળવવા પણ તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
અમદાવાદ મહાનગર પાલિકાને આઉટગ્રોથના વિસ્તારમાં 46 વિકાસ કાર્યો માટે રૂ. 316 કરોડ અપાશે. આ 46 કાર્યોમાં ડ્રેનેજ, સિવરેજ પ્લાન્ટ, રોડના કામો ઉપરાંત પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનના કામો સમાવિષ્ટ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાને ઇન્ફાસ્ટ્રક્ચર્સના કામો માટે રૂ.144.43 કરોડ મળશે. આ કામો અંતર્ગત કોબા સર્કલથી ઇન્દિરા બ્રિજ, કોબા સર્કલથી તપોવન, કોબા સર્કલથી રક્ષાશક્તિ સર્કલ અને રક્ષાશક્તિ સર્કલથી શાહપુર સર્કલ સુધીના રસ્તાની બન્ને બાજુ લેન્ડ સ્કેપિંગ,બ્યૂટીફિકેશન તેમજ પબ્લિક સ્પેસ વિકસાવવાના કામો રૂ.36 કરોડના ખર્ચે હાથ ધરાશે. ઉપરાત પીડીપીયુ ગિફ્ટસિટી રોડ ઉપર બ્યૂટીફિકેશન થશે. રાયસણ, સરગાસણ, સહિતના વિસ્તારોમાં રોડના 3 કામો, છ બગીચાનું નવીનીકરણ, સ્ટ્રોર્મ વોટર ડિસ્પોઝલ, ડ્રેનેજ લાઇન સહિતના કામો હાથ ધરાશે. રાયસણ ખાતે સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર તથા રાંદેસણ ખાતે નવો પાર્ટીપ્લોટ,આંગણવાડી તથા પીએચસીના રિનોવેશન માટે 11કરોડ મંજૂર કરાયા છે.