મહાપાલિકાની આજે મળેલી સ્થાયી સમિતીની બેઠકમાં સાત અર્બન હેલ્થ સેન્ટરોના નવીનીકરણ સહિતની ત્રણ દરખાસ્તનો મુલતવી રાખવામાં આવી છે. એ સિવાય સેક્ટરોમાં કમ્પાઉન્ડવોલ બનાવવાની, પેથાપુર, વાવોલ, ઝુંડાલ, રાંધેજામાં સુએજ પમ્પીંગ સ્ટેશનના ઓપરેશન- મેઈન્ટેનન્સ, ફાયર સ્ટેશન ઓફિસની બિલ્ડીંગમાં લિફ્ટનું મેઈન્ટેનન્સ સહિતના કામો મંજુર કરવામાં આવ્યા છે.
મહાપાલિકા વિસ્તારમાં સે-7, 21, 22, 23, ધોળાકૂવા, બોરીજ અને ઈન્દ્રોડા ખાતે અર્બન હેલ્થ સેન્ટરની નવીનીકરણની કામગીરી માટે કરવામાં આવેલા ટેન્ડરને મુલતવી રાખવામાં આવ્યું છે. અંદાજિત 12.20કરોડના ટેન્ડરની સામે દેવર્ષ કન્સ્ટ્રક્શન ઈજારદાર દ્વારા દસ કરોડનો ભાવ ભરતા તેમનું ટેન્ડર એલ-1 આવ્યું હતું. પરંતુ સ્થાયી સમિતીએ આ દરખાસ્તને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. એક જ એજન્સીને સાત હેલ્થ સેન્ટરનું કામ સોંપવામાં આવે તો કામ ઝડપથી પુરું નહી થવાની દહેશત સ્થાયીના સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એજન્સી એક પછી એક આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ હાથ ધરશે તેમાં વિલંબ થશે આથી કોઈ એક એજન્સીના બદલે એક-એક હેલ્થ સેન્ટર બનાવવાનું કામ આ જ ભાવે અન્ય એજન્સીઓને વહેંચવામાં આવે તો કેવું રહેશે. તે પ્રકારની ચર્ચા હાલપુરતી કરવામાં આવી છે. આખરી નિર્ણય માટે આ દરખાસ્તને અત્યારે મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે. તેવી જ રીતે જૂના કોબા ખાતે સાબરમતી નદી કાંઠે આવેલા પૌરાણિક કુંભેશ્વર મહાદેવ મંદિર ખાતે રીટેનીંગ વોલ તથા કેમ્પસ ડેવલપમેન્ટની કામગીરીના ટેન્ડરને પણ મુલતવી રખાયું છે. આ મંદિર ટ્રસ્ટની માલિકીનું છે. આથી કોર્પોરેશન શા માટે ખર્ચ કરે તેવી દલીલ છે. જોકે ટેન્ડરને રદ નથી કર્યું. મામલો ઠેલવામાં આવ્યો છે. અગાઉની કારોબારીમાં નદી કાંઠેના પૌરાણિક ધાર્મિક સ્થળોેને વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ કુંભેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામને ગ્રહણ લાગ્યું છે.
આ ઉપરાંત ખોરજની ટીપી સ્કીમ-63માં સંપ્રાપ્ત થતાં અનામત હેતુસરના તથા ખાનગી માલિકીના અંતિમખંડોમાં 66 કે.વી.ની વીજલાઈન ખસેડવા અંગેની દરખાસ્તને પણ મુલતવી રખાઈ છે. તેમાંપણ ચર્ચાને અંતે નિષ્કર્ષ એ નીકળ્યો છે કે, ખાનગી માલિકીના અંતિમખંડો પણ છે. તો ખાનગી માલિકીની જગ્યા પરથી વીજલાઈન ખસેડવાનો ખર્ચ શા માટે કોર્પોરેશન ભોગવે. તેના બદલે ખાનગી માલિકીની જેની જગ્યાઓ છે તે લોકો વીજલાઈન ખસેડાવે તેની સાથે કોર્પોરેશનના અનામત પ્લોટો પરથી પણ લાઈન આપોઆપ ખસી જશે, તેવું કંઈક વિચારવા જણાવવામાં આવ્યું છે.