ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલી ટોળકી દ્વારા
૨૯ લાખ રૃપિયા ટ્રાન્સફર કરવા ૧૦ ટકા કમિશન પેટી બેન્ક એકાઉન્ટ ભાડે અપાયું : એસઆઇટી દ્વારા અન્યની શોધખોળ
ગાંધીનગર : ઉત્તર ગુજરાતના શહેરોમાં ટોળકી બનાવીને શેરબજારમાં રોકાણ
કરવાની લાલચ આપી લોકો પાસેથી રૃપિયા પડાવતી ગેંગના સભ્યોને ઝડપી લીધા બાદ એસ.આઇ.ટી
દ્વારા એકાઉન્ટ ભાડે આપનાર અને બનાવનાર ચાર વ્યક્તિઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે.
આ ગુનાઓમાં કુલ અત્યાર સુધી ૩૩ વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી છે.
રાજ્યમાં સાયબર ફ્રોડ અને છેતરપિંડીની વધતી જતી ઘટનાઓ વચ્ચે
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર,
વિસનગર, ખેરાલુ
તથા સતલાસણા વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગ કરતી કેટલીક ટોળકી દ્વારા લોકોને ફોન કરી
શેર બજારમાં રોકાણ કરીને નફો કરવાની લાલચ આપીને બેંક એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર
કરાવી છેતરપીંડી કરવામાં આવી હતી અને જે સંદર્ભે વડનગર વિસનગર ખેરાલુ અને સતલાસણા
પોલીસ મથકમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયા હતા. આ ટોળકી દ્વારા ચલાવવામાં આવતા દંતાલીના
કોલ સેન્ટરમાં પણ દરોડો પાડીને ૨૪ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે આ
ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે એસઆઇટીની ટીમ દ્વારા દોડધામ કરવામાં આવી હતી
અને વડનગર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં રમેશ માનસંગજી ઠાકોર રહે વાલમ, તાલુકો વિસનગર
અને આસિફખાન સિકંદરખાન કાયમખાનીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓએ અલગ અલગ
કંપની બનાવીને તેમાં રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.જ્યારે વિસનગર પોલીસ મથકમાં
નોંધાયેલા ગુનામાં નરેન્દ્રસિંહ કરણસિંહ બારડ રહે, ટીટોદણ ગામ વિજાપુર અને વિનોદ ભગુભાઈ ચૌહાણ શુભલક્ષ્મી
સોસાયટી વિસનગર અને ઝડપી લેવામાં આવ્યા હતા. નરેન્દ્રસિંહ બારડએ તેનું બેન્ક
એકાઉન્ટ વિનોદ ચૌહાણના કહેવાથી ફરાર કિરણ સેનવાને ૧૦ ટકા કમિશન ઉપર ભાડેથી આપ્યું
હતું. જેમાં ફ્રોડની ૨૯ લાખની રકમ ટ્રાન્સફર થઈ હતી તો વિનોદ ચૌહાણ દ્વારા
વિસનગરની ઓફિસ પણ કિરણ સેનવાને ભાડે આપવામાં આવી હતી તેમજ અલગ અલગ બેન્ક એકાઉન્ટની
વ્યવસ્થા કરી આપી હતી. હાલ અન્ય આરોપીઓને પણ પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી
છે.