વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં મૃતક તપનના પરિજનોને રૂ. 8.25 લાખની સરકારી સહાય મળશે,સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અપાશે રૂપિયા 8.25 લાખની સહાય.FIR અને પોસ્ટમોર્ટમના આધારે પરિવારને 50% રકમ ચૂકવાશે સાથે સાથે બે દિવસમાં 4, 12, 500નો ચેક પરિવારને અપાશે તો કોર્ટમાં ચાર્જશીટ મુકાયા બાદ સહાયનો બીજો હપ્તો ચૂકવાશે.એટ્રોસિટી, મર્ડરના ગુનામાં દોઢ વર્ષમાં પ્રથમવાર સહાય ચૂકવાશે.શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનમાં તપન પરમાર મર્ડર ની એટ્રોસિટી અને મર્ડર ના ગુના સંદર્ભે ફરિયાદ નોંધાઇ છે.
કંઈ રીતે બની હતી ઘટના
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સોમવારના રોજ બની હતી. તપન તેના મિત્રને મળવા ગયો હતો, જે બે સમુદાયના માણસો વચ્ચેની બોલાચાલી બાદ સારવાર માટે હોસ્પિટલમાં હતો. આ સમયે પીડિત તપનને કથિત હિસ્ટ્રીશીટર બાબરે છરી મારી હતી. ત્યારબાદ મહેતા વાડી વિસ્તારના પોલીસ સ્ટેશન પર લોકો એકઠા થયા હતા અને હત્યાને લઈને ઉશ્કેરણી કરી હતી. પોલીસે એ પણ ઉલ્લેખ કર્યો છે કે તપન બોલાચાલીમાં સામેલ ન હતો, પરંતુ તે તેના મિત્રને મળવા આવ્યો હતો.
બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
પૂર્વ કોર્પોરેટરનાં પુત્રની હત્યાને લઈને મામલો ખૂબ જ ગરમાયો છે. ત્યારે આ મામલે મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં બે પોલીસકર્મીઓની સૌથી મોટી બેદરકારી સામે આવતા તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. બંને પોલીસકર્મીઓને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SSG હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તામાં હાજર બે પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા છે. આરોપ છે કે પોલીસની હાજરીમાં આરોપીએ હત્યા કરી હતી.
માથાભારે ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ
સયાજી હોસ્પિટલમાં એક બાજુ ઘવાયેલા બે યુવકોને સારવાર આપવામાં આવી રહી છે, ત્યાં બીજી બાજુ બાબર પઠાણ નામના હુમલાખોરે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારને મોતને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો બનતા નાગરવાડા વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ માટે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્નાબેન મોમાયા સમક્ષ સ્થાનિક રહીશોએ સમગ્ર બનાવની જાણકારી આપી હતી. માથાભારે ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી.