વિશ્વના સ્ટાર ફૂટબોલર્સ લાયોનલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના યુગનો અંત આવ્યો છે અને યુવા ખેલાડી રોડ્રિગો હર્નાન્ડેઝે બેલોન ડી ઓર એવોર્ડ જીત્યો છે. રોડ્રી 1990ના દશકમાં જન્મ્યા બાદ એવોર્ડ જીતનાર પ્રથમ ફૂટબોલર પણ બન્યો છે. એેવોર્ડની હરીફાઈમાં રોડ્રિગોએ રિયલ મેડ્રિડના સ્ટાર વિનિસિયસ જુનિયર અને જૂડ બેલિંગહામને પાછળ રાખી દીધા હતા.
28 વર્ષીય રોડ્રીએ 2015માં વિલારિયલ તરફથી પોતાની સિનિયર કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ તે એટ્લેટિકો મેડ્રિડ અને 2019માં માન્ચેસ્ટર સિટીનો હિસ્સો પણ બન્યો હતો. ડિફેન્સિવ મિડફિલ્ડરનો આ પ્રથમ ઇન્ટરનેશનલ એવોર્ડ છે. બાર્સેલોનાની એતાના બોનામતીએ વિમેન્સ કેટેગરીમાં સતત બીજા વર્ષે બેલોન ડી ઓર એવોર્ડ હાંસલ કર્યો છે.રોડ્રિગોએ 2023-24ની સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચાલુ વર્ષે માન્ચેસ્ટર સિટીને સતત ચોથી વખત પ્રીમિયર લીગનું ટાઇટલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. સ્પેને વિક્રમી ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું ત્યારે રોડ્રિને બેસ્ટ પ્લેયર ઓફ્ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ અપાયો હતો. 21 વર્ષ બાદ એવોર્ડની યાદીમાં આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર મેસ્સી અને પોર્ટુગલના રોનાલ્ડોને યાદીમાં સ્થાન અપાયું નથી. છેલ્લે 2003માં આ બંનેને નોમિનેટ કરવામાં આવ્યા નહોતા.
મેસ્સીને 2023માં બેલોન ડી ઓર એવોર્ડ અપાયો હતો. મેસ્સીએ વિક્રમી આઠ વખત આ એવોર્ડ જીત્યો છે. રોનાલ્ડો પાંચ વખત આ એવોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. બંનેના નામે કુલ 13 એવોર્ડ છે.