સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ગોલ વડે સાઉદી અરબની અલ નાસરે એએફસી ચેમ્પિયન્સ લીગ ઇલિટ ગ્રૂપ તબક્કાની મેચમાં કતારની અલ રેયાન ફૂટબોલ ક્લબને 2-1થી પરાજય આપ્યો હતો. પાંચ વખતના બેલોન ડીઓર એવોર્ડ વિજેતા રોનાલ્ડો વાઇરલ ઇન્ફેક્શનના કારણે ઇરાનની અલ શોર્તા સામે બે સપ્તાહ પહેલાં 1-1થી ડ્રો રહેલી મેચમાં રમી શક્યો નહોતો.
તેનો એક ગોલ ઓફ સાઇડ થયો હતો પરંતુ મેચ પૂરી થવામાં 14 મિનિટનો સમય બાકી હતો ત્યારે તેણે વધુ એક ગોલ કર્યો હતો. લિવર પૂલના ભૂતપૂર્વ ફોરવર્ડ ખેલાડી સાદિયો માનેએ હાફ ટાઇમ પહેલાં અલ નાસરને લીડ અપાવી હતી. રોનાલ્ડોએ સ્કોર 2-0નો કર્યો હતો. મેચ પૂરી થવામાં ત્રણ મિનિટનો સમય બાકી હતો ત્યારે રોજર ગુએડેસે અલ રેયાન માટે ગોલ નોંધાવ્યો હતો પરંતુ તે ટીમને હારમાંથી બચાવી શકી નહોતી. અન્ય મુકાબલામાં સાઉદી અરબની અલ અહલીએ યુએઇની અલ વાસલ સામે 2-0થી વિજય હાંસલ કરીને સતત બીજો મુકાબલો જીત્યો હતો. ઇરાનની પર્સેપોલીસ અને ઉજબેકિસ્તાનની પાખ્તાકોરનો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો.