બાર્સેલોનાએ લા લીગા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગટાફે સામે બુધવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં રેકોર્ડ નોંધાવ્યો હતો. બાર્સેલોના માટે રોબર્ટ લેવાન્ડોવસ્કીએ 19મી મિનિટે મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો. આ સાથે બાર્સેલોનાએ ક્લબ ફૂટબોલમાં 6500 ગોલ પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. સર્વાધિક ગોલ કરવાના મામલે બાર્સેલોનાએ રિયલ મેડ્રિડે પાછળ રાખી દીધું છે.
અત્યાર સુધીની 94 લા લીગા સિઝનમાં બાર્સેલોનાએ કુલ 3035 મેચો રમી છે અને 6500 ગોલ કર્યા છે. બાર્સેલોના સામે હરીફ ટીમોએ 3362 ગોલ પણ કર્યા છે. ક્લબ માટે માઇલસ્ટોન ગોલ કરવાની સાથે લેવાન્ડોવસ્કી પેટ્રિક ક્લુવર્ટ (4500), ચેસે ફેબ્રેગાસ (5500) અને લાયોનલ મેસ્સી (5000મો તથા 6000મો ગોલ)ની ઇલિટ ક્લબમાં સામેલ થઇ ગયો છે. બાર્સેલોના માટે સ્પેનના મેન્યુઅલ પરેરાએ 1029ની 12મી ફેબ્રુઆરીએ બાર્સેલોના માટે પ્રથમ ગોલ કર્યો હતો અને આ મેચમાં બાર્સેલોનાએ રેસિંગ ડી સાન્ટેન્ડરને 2-0થી પરાજય આપ્યો હતો.