ગુજરાતમાં ઉત્તરાયણ તહેવારની પૂરજોશમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ઉત્તરાયણનો તહેવાર આવતા જ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. રાજ્યના નાગરીકોને શુદ્ધ ખોરાક મળે માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી.તહેવારની ઉજવણીનો લાભ લઈ કેટલાક લેભાગુ તત્વો બેફામ ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે.ઉતરાયણના દિવસે ઊંધિયું,જલેબી, શિયાળુ પાક સહિત તલની ચીક્કી જેવા ખાદ્ય પ્રદાર્થોનું વધુ વેચાણ થતુ હોય છે.
તહેવારમાં વેપારીઓ વધુ કમાણીની લાલચમાં હલકી ગુણવત્તાવાળા તેલ અને ઘીનો ઉપયોગ કરતા હોય છે. જેથી તહેવારની સિઝન આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સ્પેશિયલ ડ્રાઈવ કરીને ખાદ્ય ખોરાકની ચકાસણી હાથ ધરવામાં આવી.ઉતરાયણના તહેવારને ધ્યાને રાખીને તમામ ફૂડ ઇન્સ્પેકટર સુચના આપવામાં આવી. ફૂડ ઈન્સ્પેક્ટર વિવિધ સ્થાનો પર ઊંધિયું,જેલબી અને ચીક્કીનું મોટા પ્રમાણે વેચાણ થતું હોય તેવા સ્થળ પર જઈને ખાદ્ય પ્રદાર્થોના સેમ્પલ લઈને ચકાસણી કરી રહ્યા છે. સ્થળ પર ચકાસણી દરમિયાન સેમ્પલ ફેલ થાય તો તત્કાલિક ખોરાકનો નાશ કરીને ખોરાક વેચનારા માલિક સામે કાયદાકીય પગલાં લેવામાં આવે છે. ખાદ્યપદાર્થના નમૂના ફેલ થતાં ભેળસેળિયા વેપારીને દંડ તેમજ દુકાન સીલ કરવા જેવા પગલાં પણ લેવામાં આવી શકે.
ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. એચ જી કોશિયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે ગુજરાતમાં વિવિધ ઉત્સવોની ઉત્સાહપૂર્વક ઉજવણી થતી હોય છે. વિવિધ ઉત્સવોમાં જુદા-જુદા ખાદ્ય પદાર્થોનું સેવન પ્રચલિત છે. રાજ્યમાં અત્યારે જ્યારે પતંગના તહેવાર એવા ઉત્તરાયણ તહેવાર નજીક છે. ત્યારે આ તહેવારમાં લેવાતા ઊંધિયુ અને જલેબી જેવા ખાદ્યપદાર્થોથી લોકોને નુકસાન ના થાય માટે તંત્ર દ્વારા તકેદરારી રૂપે પગલાં લેવામાં આવે છે. દર વર્ષે તહેવાર પર ફૂડ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવે છે. હાલ 32 ફૂડ સેફટી વાન ફિલ્ડમાં કાર્યરત છે. વિવિધ સ્થળ પર જ ટેસ્ટીંગ કરી નમૂના લેવામાં આવે છે,
રાજ્યમાં 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી દરમ્યાન ઉત્તરાયણ પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી થતી હોય છે. આ તહેવારમાં પતંગ રસિયા સવારથી જ ધાબે ચઢી પતંગ ચડાવવા લાગે છે. જ્યારે આ દિવસોમાં લોકોના ઘરે બધા શાકોથી મિશ્રણ થયેલ ઊંધિયાની લિજ્જત પણ માનવામાં આવે છે. તો સ્વીટમાં જલેબી તેમજ તલની ચિક્કી જેવી વાનગીઓ પણ લોકો લેતા હોય છે. તેલ અને ઘીમાં બનતી આ વાનગીઓમાં કેટલીક વખત ખરાબ ગુણવત્તાનો ઉપયોગ થતાં લોકો બીમાર પડે છે. અને આથી જ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજી વેપારીઓને ત્યાં ચકાસણી કરવામાં આવે છે.