– વારંવાર સમય માર્યાદા વધારવા છતાં મોટાભાગના વિકાસ કામો અધૂરાં છતાં શહેરમાં બે કેમ્યુનિટી હોલ, બે સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવા મનપાની કારોબારી સૈધ્ધાંતિંક મંજૂરી આપશે
– ઝડપી કામ કરવાની ભાજપ શાસિત મનપાના શાસકોની માત્ર વાતો
ભાવનગર : ભાજપ શાસિત ભાવનગર મહાનગરપાલિકા વિકાસની મોટી વાતો સાથે કામોની જાહેરાત અને તેની શરૂઆત કરી દે છે પરંતુ બાદમાં સમયમર્યાદામાં કામગીરી ન થવાના કારણે શહેરીજનોની હાડમારીમાં સતત વધારો થવાની સાથે સમય અને નાણાંનો પણ વ્યય થતો હોવાની ફરિયાદો હવે સામાન્ય બની છે. તાજેતરમાં જ શહેરના ફલાયઓવરની કામગીરી ઝડપી બનાવવાની શાસકોની મોટી જાહેરાતો વધુ એક પોકળ સાબિત થઈ છે. આગામી બુધવારે મળનારી મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફ્લાયઓવર, વ્હાઈટ ટોપીંગ રોડ, અકવાડા તળાવ, પેવિંગ બ્લોક નાંખવાના સહિતના કામોની સમય મર્યાદા વધારવા નિર્ણય લેવાશે. જો કે, મનપા દ્વારા હાલના કામોમાં સમયમર્યાદા વધારવામાં આવી રહી છે તેવામાં શહેરમાં વધુ બે કોમ્યુનિટી હોલ, બે સ્પોર્ટસ કોમ્પલેક્ષ સહિત અંદાજે ૨૦૦ કરોડના કામોને મંજૂરી આપવામાં આવશે.