Firing In Surendranagar: સુરેન્દ્રનગરના ઢાંકી ગામે ફાયરિંગનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં 12 વર્ષના કિશોરનું મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારે અંગત અદાવતમાં ફાયરિંગ કર્યાનું અનુમાન પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે. પોલીસે સ્થળ પરથી લોકોના નિવેદન લેવા સાથે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
કિશોરની હત્યા કરી આરોપી ફરાર
લખતર તાલુકાના ઢાંકી ગામે ફાયરિંગની ઘટનામાં 12 વર્ષના કિશોર નિકુલ ડુંગરાણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે ડીવાયએસપી, એલસીબી, એસઓજી, લખતરની સ્થાનિકો પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે સ્થાનિકો લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ‘ડફેર અલી નથુ દ્વારા ફાયરિંગ કરી કિશોરની હત્યા કરી તે ફરાર થઈ ગયો હતો.’ અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું પોલીસ અનુમાન કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આ પણ વાંચો: વડોદરા હરણી તળાવ બોટકાંડના 5 આરોપીને જામીન, હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડના આરોપીની અરજી ફગાવી
ઉલ્લેખનીય છે કે, ડફેર અલી નથુ કુખ્યાત આરોપી ગુજસીટોકનો આરોપી પેરલ જમ્પ પર હોવાની અને અવાર નવાર નર્મદા કેનાલ ઉપર રાહદારીઓને ધાકધમકી આપતો હતો. આ ઉપરાંત લોકોને લૂંટતો હોવા સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે.