પીએમ મોદીએ મનકીબાત કાર્યક્રમમાં શરીરની સ્થૂળતા ઓછી કરવા માટે લોકોને સાથે આવવા અપીલ કરી છે. તેમણે ખોરાકમાં તેલ ઓછુ ખાવા કહ્યું છે. જે બાદ કહ્યું હતું કે તેઓ 10 લોકોને નોમિનેટ કરશે કે શું તેઓ પોતાના ખોરાકમાં 10 ટકા તેલ ઓછુ કરી શકે છે? આ અપીલના બીજા દિવસ એટલે કે આજે પીએમ મોદીએ ટ્વીટ કરીને 10 લકોોને નોમિનેટ કર્યા છે આવો જાણીએ કોણ છે.
પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે ગઈકાલના મન કી બાતમાં જણાવ્યા મુજબ, હું સ્થૂળતા સામેની લડાઈને મજબૂત બનાવવા અને ખોરાકમાં ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અંગે જાગૃતિ ફેલાવવા માટે નીચેના લોકોને નોમિનેટ કરવા માંગુ છું.’ હું તેમને 10-10 લોકોને નોમિનેટ કરવા વિનંતી પણ કરું છું જેથી આપણું આંદોલન મોટું બને.
પીએમ મોદીએ કોને કર્યા નોમિનેટ
પીએમ મોદીએ આનંદ મહિન્દ્રા, નિરહુઆ (દિનેશ લાલ યાદવ), મનુ ભાકર, મીરાબાઈ ચાનુ, મોહનલાલ, નંદન નીલેકણી, ઓમર અબ્દુલ્લા, અભિનેતા માધવન, શ્રેયા ઘોષાલ અને સુધા મૂર્તિને નોમિનેટ કર્યા છે. આ બધા લોકોને 10-10 લોકોને નોમિનેટ કરવા અપીલ કરવામાં આવી છે.
શું બોલ્યા ઓમર અબ્દુલ્લા ?
પીએમ મોદી દ્વારા નોમિનેટ થયા બાદ ઓમર અબ્દુલ્લાએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સ્થૂળતા વિરુદ્ધ શરૂ કરાયેલા અભિયાનમાં જોડાવાનો મને ખૂબ આનંદ છે. સ્થૂળતાને કારણે જીવનશૈલી સંબંધિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, જેમ કે હૃદય રોગ, ટાઇપ 2 ડાયાબિટીસ, સ્ટ્રોક અને શ્વાસ લેવામાં તકલીફ, તેમજ ચિંતા અને હતાશા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ. આજે હું આ 10 લોકોને સ્થૂળતા સામેના વડા પ્રધાનના અભિયાનમાં જોડાવા માટે નોમિનેટ કરી રહ્યો છું અને તેમને આ લડાઈને આગળ વધારવા માટે 10-10 લોકોને નોમિનેટ કરવા વિનંતી કરું છું.’ ઉમરે કિરણ મઝુમદાર-શો, સજ્જન જિંદાલ, દીપિકા પાદુકોણ, સાનિયા મિર્ઝા સહિત 10 લોકોને નોમિનેટ કર્યા હતા.
દર 8માંથી એક વ્યક્તિ સ્થૂળતાથી પરેશાન
ગઈકાલે પીએમ મોદીએ કહ્યું હતું કે ખોરાકમાં તેલ ઓછું વાપરવું અને સ્થૂળતા સામે લડવું એ ફક્ત આપણી પોતાની પસંદગી નથી પણ આપણા પરિવાર પ્રત્યેની આપણી જવાબદારી પણ છે. ખોરાકમાં તેલનો વધુ પડતો ઉપયોગ હૃદય રોગ, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવા અનેક રોગોનું કારણ બની શકે છે. તમારી ખાવાની આદતોમાં નાના ફેરફારો કરીને, તમે તમારા ભવિષ્યને મજબૂત, ફિટ અને રોગમુક્ત બનાવી શકો છો. પીએમએ કહ્યું કે આપણે કોઈ પણ વિલંબ કર્યા વિના આ દિશામાં આપણા પ્રયાસો વધારવા પડશે અને તેને આપણા જીવનમાં લાગુ કરવા પડશે.’ સાથે મળીને આપણે રમત રમતમાં ખૂબ અસરકારક રીતે કરી શકીએ છીએ. એક અભ્યાસ મુજબ આજે દર આઠમાંથી એક વ્યક્તિ સ્થૂળતાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થૂળતાના કેસ બમણા થયા છે, પરંતુ તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકોમાં પણ સ્થૂળતાની સમસ્યા ચાર ગણી વધી છે.