સુરત ગ્રામ્યમાં નકલી ઘી અને તેલ ઝડપાયું છે. ઓલપાડ વિસ્તારના માસમાં ગામે SMCએ કાર્યવાહી કરી છે અને નકલી ઘીનો જથ્થો ફેક્ટરીમાંથી ઝડપાયો છે. મોટી માત્રામાં મિક્સ ઘી અને તેલ મળી આવ્યું છે. કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે.
બનાવટી ઘીનો 25 ટન જથ્થો જપ્ત
બીજી તરફ સુરતના ઓલપાડ ખાતેથી વીર મિલ્ક પ્રોડક્ટસ અને RK એન્ટરપ્રાઈઝ દ્વારા ભેળસેળયુકત અને બનાવટી ઘી બનાવવાનું કૌભાંડ પકડાયુ છે. શુદ્ધ ઘીના નામે વેચાતા ભેળસેળયુક્ત શુભ બ્રાન્ડ ગાયના ઘીનો જથ્થો પકડાયો છે. ખોરાક અને અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વીર મિલ્ક પ્રોડક્ટસ અને RK એન્ટરપ્રાઈઝ ખાતેથી કૂલ 5 નમુના લઈ રુપિયા 69 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડનો ઉપયોગ
આ સાથે સ્થળ પર સામ-સામે આવેલી બંને પેઢીમાં ઘીની બનાવટમાં ઘીના એસેન્સ, વેજીટેબલ ફેટ અને ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, જેથી સ્થળ પર જ 25 ટન જથ્થો કે જેની અંદાજીત કિંમત 69 લાખ થવા જાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે. કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઈસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.