Praful Pansheriya On Satyanarayan Katha : રાજ્યમાં અંધશ્રદ્ધા નિવારણ માટે કામ કરતી વિજ્ઞાન જાથા સંસ્થાના જયંત પંડ્યા દ્વારા રાજકોટમાં PGVCL કચેરીમાં સત્યનારાયણની કથા રોકવામાં આવતા વિવાદ ઊભો થયો છે. આ મામલે બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ તેનો વિરોધ કરી ગર્ભિત ચેતવણી ઉચ્ચારી છે.
અમારો કાર્યક્રમ માત્ર કોઈ કથા બંધ કરાવવાનો નહતો
જયંત પંડ્યાનો દાવો છે કે, ‘અમારો કાર્યક્રમ માત્ર કોઈ કથા બંધ કરાવવાનો નહતો. ચાલું ઑફીસમાં જે ધાર્મિક આયોજન કરીને ટેબલ ફેરફાર કરવા… એ વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલા પણ લેવાના છે અને ગાંધીનગરથી પણ આદેશ થઈ ગયા છે. અમારો વાંધો એટલો જ હતો’.
આ મામલે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, તેમની સંસ્થા અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે, પરંતુ ધાર્મિક આસ્થાને સન્માન આપે છે. દેશના દરેક નાગરિકોને પોતાના ધર્મ અને આસ્થા માનવાની છૂટ ડૉ. બાબાસાહેબ આંબેડરે દેશના બંધારણમાં આપી છે.
શ્રી સત્યનારાયણ ભગવાન સાથે કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે, તેવામાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સહિતના લોકોએ કથાનો કાર્યક્રમ રોકીને બહ્મ સમાજ અને હિન્દુ સમાજનું અપમાન કર્યું છે. જેથી આગામી દિવસોમાં કથા રોકાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
શિક્ષણ મંત્રીએ ગર્ભિત ચેતવણી ઉચ્ચારી
રાજકોટમાં PGVCL કચેરીમાં કથા રોકવાના મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગર્ભિત ચેતવણી ઉચ્ચારી કહ્યું કે, ‘કથા રોકનાર અને બ્રહ્મ સમાજનું અપમાન કરનાર શાનમાં સમજી જજો, નહીં તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ઑફિસમાં કથા કરવીએ વર્ષોથી ચાલી આવતી હિન્દુ ધર્મની પરંપરા છે. મારી ઑફિસમાં પણ હું દર વર્ષે કથા કરાવું છું. કથા કરાવનાર તમામ કર્મચારીને હું અભિનંદન આપું છું. જેણે કથા રોકી છે તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરાશે.’