તમારી પાસે ફોલ્ડેબલ ફોન ન હોય તો પણ તમે સ્ક્રીન પર એક બાજુ વોટ્સએપ અને બીજી
બાજુ જીમેઇલ જેવી એપ ઓપન કરીને એકમાંની વિગતો તપાસીને બીજામાં કામ કરી શકો છો.
એન્ડ્રોઇડમાં સ્પ્લિટ સ્ક્રીન નામની સુવિધાથી આ શક્ય બને છે.
તેનો લાભ લેવા માટે ફોનમાં ડાબી તરફના બટનથી, ઓપન જુદી જુદી એપ્સનાં બોક્સ જોવા મળે એવા મોડમાં જાઓ. હવે કોઈ એક એપના
બોક્સમાં તેમાં મથાળે જોવા મળતા એપ આઇકન પર જરા લાંબો સમય પ્રેસ કરો. એક મેનૂ
ખુલશે અને તેમાં સ્પ્લિટ સ્ક્રીનનો વિકલ્પ ક્લિક કરો.
આથી મોબાઇલના સ્ક્રીન પર ઉપરની બાજુએ એ એપ ગોઠવાઈ જશે અને તેની નીચે ફોનમાં
ઓપન અન્ય એપ્સ જોવા મળશે. હવે બીજી જે પણ એપ ઓપન રાખવી હોય તેને ફક્ત ક્લિક કરી
દો.
આ વિધિ ફોન મુજબ થોડી-ઘણી જુદી હોઈ શકે છે, પણ અંતે સ્ક્રીનમાં ઉપર-નીચે આપણે પસંદ કરેલી બંને એપ જોવા મળશે.
આ રીતે આપણે સ્પ્લિટ સ્ક્રીન મોડમાં હોઈએ ત્યારે સ્ક્રીનને વર્ટિકલને બદલે
હોરિઝોન્ટલ મોડમાં પણ રાખી શકાય. સ્પ્લિટ મોડમાંથી નોર્મલ મોડમાં જવું હોય ત્યારે
બંને એપ વિન્ડો વચ્ચેની લાઇન પર ક્લિક કરો. આ વિધિ પણ ફોન મુજબ બદલાઈ શકે છે, પરંતુ આપણે સ્પ્લિટ મોડમાંથી સહેલાઈથી નોર્મલ મોડમાં આવી શકીશું.