હરિયાણામાં એક ચૂંટણી સભાને સંબોધતાં ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષના અંતમાં, શિયાળુ સત્ર દરમિયાન વકફ સુધારા બિલ પસાર કરવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે આ બિલનો વિરોધ કરનારા લોકો સીધા થઈ જશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તમને વકફ બોર્ડના હાલના કાયદાથી સમસ્યા છે. અમે સંસદના શિયાળુ સત્રમાં તેમાં સુધારો કરીશું.
ગયા મહિને ઘણા વિપક્ષી નેતાઓએ આરોપ કર્યો હતો કે કેન્દ્રના વકફ બિલનો હેતુ સમાજમાં વિભાજન કરવાનો છે. ભાજપના નેતા અમિત શાહે લોકોને સંબોધતાં કહ્યું કે વકફ બોર્ડનો કાયદો બહુ જ સમસ્યા ઊભી કરે છે ને? આ શિયાળુ સત્રમાં અમે સુધારો કરીને તેને સરખો કરી દઈશું. વકફ બિલ પર ભાજપ અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ કહ્યું કે દેશના મુસલમાન આ બિલનું સ્વાગત કરશે. મુસલમાનોની લાંબા સમયની માગણી હતી કે વકફ કાયદામાં સુધારો કરવામાં આવે, કેમ કે, વકફ બોર્ડના અધ્યક્ષ અને સભ્ય અત્યારના કાયદાનો ઉપયોગ કરીને લૂંટ ચલાવી રહ્યા છે.