ચીન સાથે ભારતનો સીમા વિવાદ ઘણા લાંબા સમયથી ચાલ્યો આવે છે. ચીન લદાખમાં ખડકેલી તેની સેના પાછી હટાવવા છેલ્લા 4 -5 વર્ષથી નાટક કરતું આવ્યું છે. એપ્રિલ 2020માં ચીને ગાલવાન ઘાટીમાં ઘૂસણખોરી કરીને ભારતનાં સૈનિકો સાથે હિંસક ઝપાઝપી કરી હતી. જેમાં ચીનનાં 40થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
ભારતનાં 20 જેટલા સૈનિકો શહીદ થયા હતા. આ ઘટનાને 4 વર્ષ વીતિ ગયા પછી પણ LAC ખાતે ભારત અને ચીન વચ્ચેનાં સંબંધો ઘણા ખરાબ અને તંગદિલીભર્યા છે. ભારતનાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે જાહેરમાં કબૂલાત કરી છે કે ભારત અને ચીનનાં સંબંધો ઘણા ખરાબ છે. આ અત્યંત ખરાબ સંબંધો આખા વિશ્વને પ્રભાવિત કરી શકે છે. આખી દુનિયા પર તેની માઠી અસર પડી શકે છે. અમેરિકામાં એક થિન્ક ટેન્કનાં કાર્યક્રમમાં જયશંકરે કહ્યું હતું કે આખું વિશ્વ બહુધ્રુવીય છે અને તેથી એશિયાનું બહુધ્રુવીય થવું પણ જરૂરી છે. ભારત અને ચીનનાં સંબંધો ભવિષ્ય માટે મહત્વનાં છે. ભારત અને ચીનનો એક સાથે ઉદય હાલની વૈશ્વિક રાજનીતિમાં અનોખી સમસ્યા સર્જે છે. અગાઉ જયશંકરે કહ્યું હતું કે ચીન સાથે પૂર્વ લદાખમાં 75 ટકા સમસ્યા ઉકેલાઈ ગઈ છે. જો કે તેમણે પછીથી સ્પષ્ટતા કરી હતી કે જે કંઈ પ્રગતિ થઈ છે તે ફક્ત કેટલાક વિવાદિત પોઈન્ટ પરથી સેનાને હટાવવા પૂરતી મર્યાદિત છે. 2020માં ગાલવાન ઘાટીમાં બંને દેશનાં સૈનિકો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો અને બંને પક્ષે કેટલાક સૈનિકો માર્યા ગયા હતા. આ પછી સંબંધો વણસ્યા છે. હવે જ્યાં સુધી શાંતિ ન સ્થપાય અને જે કરાર કરાયા છે તેનું પાલન કરવામાં ન આવે ત્યાં સુધી સંબંધોને સુધારવાનું અઘરું છે.
જયશંકરે થિન્ક ટેન્કનાં કાર્યક્રમમાં વિસ્તારથી સમજાવ્યું હતું કે મેં જ્યારે એમ કહ્યું હતું કે 75 ટકા વિવાદ ઉકેલાઈ ગયો છે ત્યારે તે ફક્ત ચીન દ્વારા તેની સેના પાછી ખેંચવાનાં સંદર્ભમાં જ હતો. જે તમામ વિવાદનો એક હિસ્સો છે. હજી પેટ્રોલિંગનો મુખ્ય મુદ્દો ઉકેલાયો નથી. બંને દેશની સેના હાલ LAC પર કેવી રીતે પેટ્રોલિંગ કરે છે તે સૌ જાણો છો.
જયશંકરે કહ્યું કે ભારત અને ચીન એવું ઈચ્છે છે કે આવતા મહિને બ્રિક્સની શિખર પરિષદમાં ભારતનાં પીએમ મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે સંભવિત બેઠક થઈ શકે છે. તે પહેલા સરહદ પર તંગદીલી ઓછી થાય તે જરૂરી છે. પૂર્વ લદાખમાં સેનાની મડાગાંઠ ઉકેલવા બંને દેશો કૂટનીતિક અને લશ્કરી સ્તરે વાટાઘાટ કરી રહ્યા છે.