સંસદમાં મંગળવારે યોજાનારા બંધારણ દિવસ કાર્યક્રમને લઈને સરકાર અને વિપક્ષ સામસામે આવી ગયાં છે. વિપક્ષની માંગ છે કે બંધારણ દિવસ સમારોહ દરમિયાન બન્ને સદનમાં વિપક્ષના નેતાઓને બોલવાની મંજૂરી આપવામાં આવે. આને લઈને સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ પલટવાર કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે બંધારણ દિવસનો કાર્યક્રમ રાજકારણથી ઉપર છે અને દેશનો ઉત્સવ છે. તેમણે આ સાથે સમગ્ર કાર્યક્રમની જાણકારી પણ આપી હતી. સંસદીય કાર્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ ફક્ત ભારતીય સંસદનો ઉત્સવ નથી. એક પ્રકારે આપણે ભારતીય બંધારણનું સમ્માન કરી રહ્યા છીએ અને તેની વાતોને દેશની જનતા સામે લાવી રહ્યા છીએ. આપણે બંધારણના ઘડવૈયાઓને શ્રાદ્ધાંજલિ આપી રહ્યા છીએ. જ્યારે પ્રેસિડેન્ટ સંસદના બન્ને સદનના સભ્યોને સંબોધન કરશે ત્યારે મારું માનવું છે કે તેમાં કોઈ દળગત રાજકારણ નહીં હોય. આપણે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરીશું. આજે સાંજે અમે પ્રેસિડેન્ટશ્રી સમક્ષ જઈશું અને તેમને કાલના કાર્યક્રમ માટે આમંત્રિત કરીશું.
સમારોહને વડાપ્રધાન પણ સંબોધન નહીં કરે : રિજિજુ
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક વિપક્ષી દળોની સમસ્યા એ છે કે તેમણે વ્યવસ્થા અંગે જાણ્યા સિવાય જ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. કાલના સમારોહમાં વડાપ્રધાન પણ સંબોધન કરવાના નથી. ફક્ત લોકસભાના અધ્યક્ષ, વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ જ બોલશે. અમે લોકસભા અને રાજ્યસભાના વિપક્ષી નેતાઓ માટે મંચ પર બેસવાની વ્યવસ્થા કરી છે. કશું જાણ્યા વગર જ આવા ગંભીર અવસર પર આ પ્રકારની પ્રતિક્રિયા નિંદનીય છે.