વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ઉદ્યોગોને ભારતમાં મૂડીરોકાણ માટે આમંત્રિત કરતા શુક્રવારે અત્રે 18મી એશિયા-પેસિફિક કોન્ફરન્સ ઓફ જર્મન બિઝનેસ 2024ને સંબોધતા કહ્યું કે જર્મનીએ સ્કિલ્ડ ઇન્ડિયન વર્કફોર્સ માટેના વિઝા 20 હજારથી વધારીને 90 હજાર કર્યા છે.
જર્મનીએ ભારતના સ્કિલ્ડ મેનપાવરમાં મૂકેલો વિશ્વાસ અદ્ભુત છે. મને વિશ્વાસ છે કે જર્મનીનો આ નિર્ણય તેની વિકાસયાત્રાને વેગવંતી બનાવશે. રોકાણ કરવા માટે વિશ્વમાં ભારત કરતાં વધારે સારું સ્થળ બીજું એકેય નથી અને ભારતની ગ્રોથ સ્ટોરીમાં જોડાવાનો આ યોગ્ય સમય છે. તેઓ ભારતની મેક ઇન ઇન્ડિયા’ પહેલમાં જોડાઈને ‘મેક ફોર ધ વર્લ્ડ’ ભણી આગળ વધી શકે છે. ભારતની ગ્રોથ સ્ટોરીમાં જોડાવાનો આ યોગ્ય સમય છે. ભારત વ્યાપાર અને ઉત્પાદનનું ગ્લોબલ હબ બની રહ્યું છે. આજે ભારત ડેમોક્રસી, ડેમોગ્રાફી, ડિમાન્ડ, ડેટાના મજબૂત પિલરો પર ઊભું છે.
તેમણે ઉમેર્યું હતું કે ભારત રસ્તા અને બંદરોમાં વિક્રમી મૂડીરોકાણ કરી રહ્યું છે અને દુનિયાના ભવિષ્ય માટે ઇન્ડો-પેસિફિક રિજન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. વડાપ્રધાને ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધોને બિરદાવતા બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાના પુરાવા તરીકે તાજેતરના સહયોગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક તરફ્ અહીં સીઇઓ ફોરમની બેઠક યોજાઈ રહી છે તો બીજી તરફ્ બંને દેશોની નેવી સાથે પ્રેક્ટિસ કરી રહી છે. જર્મન નેવીના જહાજો ગોવામાં પોર્ટ કોલ પર છે અને થોડી વારમાં ભારત-જર્મની વચ્ચે સાતમા આંતર-સરકારી પરામર્શનું પણ આયોજન થવાનું છે. ભારત અને જર્મનીની મિત્રતા દરેક પગલે, દરેક મોરચે ગાઢ બની રહી છે. આ વર્ષે ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયા છે અને આગામી 25 વર્ષ આ ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જશે. અમે આવનારા 25 વર્ષમાં વિકસિત ભારત માટેની રૂપરેખા તૈયાર કરી છે.
ભારતની વિકાસગાથામાં જોડાવાનો આ યોગ્ય સમય
વડાપ્રધાન મોદીએ એમ પણ જણાવ્યું હતું કે ભારતની વિકાસગાથામાં જોડાવાનો આ યોગ્ય સમય છે. ભારતની ગતિશીલતા જર્મનીની ચોક્સાઈને પૂર્ણ કરે છે જ્યારે જર્મનીનું એન્જિનિયરિંગ ભારતની નવીનતાને પૂર્ણ કરે છે. જર્મન ટેક્નોલોજી ભારતની પ્રતિભા સાથે જોડાય ત્યારે ઇન્ડો-પેસિફ્કિ પ્રદેશ અને વિશ્વ માટે ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરવામાં આવે છે. મિત્રો, તમે બિઝનેસ જગતના છો પરંતુ ભારતમાં આવવું એ માત્ર બિઝનેસની જ વાત નથી. જો તમે ભારતની સંસ્કૃતિ, ખાણીપીણી અને શોપિંગને મિસ કરશો તો તમને ઘણું બધું મિસ થશે. હું તમને ખાતરી આપું છું કે તમે ખુશ થશો અને ઘરે પાછા ફરો, તમારું કુટુંબ વધુ સુખી થશે.
ભારત ડાઇવર્સિફિકેશન અને ડી-રિસ્કિંગનું સૌથી મોટું કેન્દ્ર
આજે એક તરફ્ સેંકડો જર્મન કંપનીઓ ભારતમાં છે તો બીજી તરફ્ ભારતીય કંપનીઓ પણ ઝડપથી જર્મનીમાં પોતાની ઉપસ્થિતિ વધારી રહી છે. આજે ભારત ડાઇવર્સિફિકેશન અને ડી-રિસ્કિંગનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ જર્મન કેબિનેટ દ્વારા ‘ફોકસ ઓન ઇન્ડિયા’ ડોક્યુમેન્ટના પ્રકાશનને આવકાર્યું હતું. તેમણે કહ્યું કે મને ખુશી છે કે આવા નિર્ણાયક સમયે જર્મન કેબિનેટે ‘ફોકસ ઓન ઇન્ડિયા’ ડોક્યુમેન્ટ બહાર પાડયો છે. આ ડોક્યુમેન્ટ એક બ્લૂપ્રિન્ટ છે કે કેવી રીતે વિશ્વની બે મજબૂત લોકશાહી, વિશ્વની બે અગ્રણી અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક હિત માટેનું એક બળ બની શકે છે. તે વ્યૂહાત્મક ભાગીદારીને સર્વગ્રાહી રીતે આગળ લઈ જશે.