ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)ના પદ પરથી તાજેતરમાં નિવૃત્ત થયેલા ડી.વાય. ચંદ્રચૂડે દેશના ન્યાયતંત્રનો કેસલોડ હેન્ડલ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ હજુ ઘણું વધારે રોકાણ કરવા અનુરોધ સાથે જણાવ્યું છે કે જિલ્લા અદાલતોમાં લગભગ 21 ટકા જેટલી પોસ્ટ ખાલી છે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં જજ ટુ પોપ્યુલેશનનો રેશિયો વિશ્વમાં સૌથી નીચા પૈકી એક છે.
જિલ્લા અદાલતોમાં જે પ્રકારનો કેસ લોડ આવી રહ્યો છે તેને હેન્ડલ કરવા માટે આપણી પાસે પૂરતા ડિસ્ટ્રિક્ટ જજો નથી. તેથી સૌથી પહેલાં આપણે વધુ ન્યાયાધીશોની નિમણૂક કરીને જજ ટુ પોપ્યુલેશનનો રેશિયો વધારવો પડશે. પૂર્વ સીજેઆઇએ વધુ લાયકાત ધરાવતા લોકોની નિમણૂક કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકતા કહ્યું હતું કે સરકારોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું વધારે રોકાણ કરવું પડશે. નિવૃત્ત સીજેઆઇ ચંદ્રચૂડે એમ પણ જણાવ્યું હતું કે જિલ્લા અદાલતોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ એક્ઝામિનેશન જેવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ.