પીએમ મોદીએ આકાશવાણી પરથી મહિનાનાં છેલ્લા રવિવારે પ્રસારિત થતી મન કી બાતનાં 116મા સંસ્કરણમાં કહ્યું હતું કે તેઓ આગામી 1 વર્ષમાં નવા 1 લાખ યુવાનોને રાજકારણમાં લાવવાનો લક્ષ્યાંક પૂર્ણ કરશે. જેમનો ભૂતકાળ રાજકારણનો નથી તેવા નવા 1 લાખ યુવાનોને રાજનીતિમાં લાવીને તૈયાર કરવામાં આવશે.
આ માટે દેશમાં ખાસ અભિયાન હાથ ધરાશે. આવતા વર્ષે સ્વામી વિવેકાનંદની 162મી જન્મ જયંતિએ દિલ્હીમાં 11-12 જાન્યુઆરીએ ભારત મંડપમમાં વિકસિત ભારત યુવા નેતા ડાયલોગનું આયોજન કરાશે જેમાં તમામ રાજ્યો, જિલ્લા અને ગામડાનાં આશરે 2000 યુવાનો ભાગ લેશે. મોદીએ કહ્યું કે સરકારમાં ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ જોગવાઈ કે સિસ્ટમ જ નથી. આથી લોકોને ડિજિટલ એરેસ્ટથી સાવધાન રહેવા ફરી અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ડિજિટલ એરેસ્ટ એક જુઠ્ઠાણં છે અને લોકોને ફસાવવાનું કાવતરું છે. તેમણે યુવાનોને અપીલ કરી હતી કે ડિજિટલ બેન્કિંગ ક્ષેત્રે તેઓ વૃધ્ધોને મદદ કરે. દેશમાં ચાલી રહેલા લાઈબ્રેરી અભિયાનની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે આ સંદર્ભમાં ચેન્નઈની પ્રકૃતિ અરિવગમ લાઈબ્રેરીનો ઉલ્લેખ કર્યો હતો.
એનસીસીથી યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને સેવાની ભાવના જાગે છે
મોદીએ કહ્યું હતું કે NCC દિવસે અમને સ્કુલનાં જૂના દિવસો યાદ આવે છે. નેશનલ કેડેટ કોર (NCC) થી યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને સેવાની ભાવના જાગે છે. જ્યારે કોઈ આપત્તિ આવે કે પૂર હોય કે ભૂકંપ હોય કે કોઈ દુર્ઘટના હોય ત્યાં NCC નાં કેડેટ્સ ત્યાં પહોંચીને લોકોને મદદ કરવા લાગે છે.