દાહોદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ વાદગાર હોટલની સામેના કુંજડાવાડ વિસ્તારમાં રવિવારે સવારથી સાંજ સુધીમાં 20 થી પણ વધુ લોકોને હડકાયું કૂતરું કરતા કુંજડાવાડ સહિત આસપાસના વિસ્તારના લોકોમાં ભય સહિતનો ફફડાટ ફેલાવા પામ્યો છે.
શહેરના તાલુકા પંચાયત વાળા રોડે સિંધી સોસાયટીમાં વાહનોની પાછળ દોડતા કુતરાઓએ તોબા પોકારાવી દીધી છે. ત્યારે શહેરના વોર્ડ નંબર સાતમાં યાદગાર હોટલ સામે આવેલ કુંજડાવાડમાં પણ કૂતરાઓનો આતંક ચરમશીમાએ છે. અને તેમાંય વળી આજે રવિવારે કુંજડાવાડમાં સવારથી જ એક હાડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો.સવારથી સાંજ સુધી તે હડકાયું કૂતરું 20થી પણ વધુ લોકોને પોતાનો શિકાર બનાવી કરડતા તે લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં પહોંચી ઈન્જેક્શન લેવા મજબૂર થવું પડયું હતું. આમ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલ કુંજડાવાડ વિસ્તારમાં હડકાયા કૂતરાના આતંકને કારણે લોકોમાં ભય સહિતનો ફફડાટ ફેલાવા પામ્યો છે.
નગરસેવક સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ
કુંજડાવાડ વિસ્તારના રહીશો દ્વારા વોર્ડ નંબર 7 ના એક નગરસેવકનો ટેલીફેનિક સંપર્ક કરી હડકાયા કૂતરા બાબતની જાણ કરતા તેઓએ આ અંગેની જાણ એનિમલ વિભાગને કરવાનું પોતાની ફ્રજમાં આવતું હોવા છતાં કુંજડાવાડ વિસ્તારના રહીશોને એનિમલ વિભાગમાં જાણ કરવાનું કહી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતા કુંજડાવાડ વિસ્તારના રહીશોમાં તે નગરસેવક સામે ભારે રોષ ફેલાવા પામ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી હડકાયા કુતરાના આતંકથી ફફડી ઉઠેલા કુંજડાવાડ વિસ્તારના લોકોનો ફફડાટ દૂર કરવા જવાબદારો દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા જવાબદારો સામે રહીશોમાં ભારે રોષ ફેલાવા પામ્યો છે.