આયરલેન્ડ મેન્સ ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને ટી20 શ્રોણીની બીજી મેચમાં હરાવીને ઇતિહાસ રચ્યો હતો. ભારત સામે ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટાર્ગેટને ચેઝ કરવાથી વંચિત રહેલી પ્રોટિઝ ટીમે વધુ એક વખત જૂની ભૂલ કરી હતી. આયરલેન્ડ સામે ટીમને 12 બોલમાં 23 રનની જરૂર હતી.
10 બોલમાં ટીમે પાંચ વિકેટ ગુમાવી હતી અને મેચ હાથમાંથી સરકી ગઈ હતી. સાઉથ આફ્રિકન ટીમ તેની છેલ્લી બે નિર્ણાયક મેચમાં વિખેરાઈ ગઈ છે. આયરલેન્ડે ટી20 ફોર્મેટમાં સાઉથ આફ્રિકા સામેની સાત મેચમાં પ્રથમ વિજય હાંસલ કર્યો છે. બંને વચ્ચેની બે મેચની શ્રોણી 1-1થી સરભર રહી હતી. એડેયર બંધુઓએ મેચમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. એક એડેયરે પોતાની પ્રથમ ટી20 સદી ફટકારી હતી. બીજાએ બોલિંગમાં 31 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. રોસ એડેયરને મેન ઓફ ધ મેચ તથા પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
સુકાની પોલ સ્ટર્લિંગે બાવન રન બનાવવા ઉપરાંત રોસ એડેયર સાથે પ્રથમ વિકેટે માટે 137 રનની ભાગીદારી નોંધાવી હતી. રોસ એડેયરે 58 બોલમાં પાંચ બાઉન્ડ્રી અને નવ સિક્સર વડે 100 રન બનાવ્યા હતા. ડોકરેલે 20 રનનું યોગદાન આપ્યું હતું. રનચેઝ કરનાર આફ્રિકન ટીમ માટે ઓપનર રેયાન રિકિલ્ટોને 36, રેઝા હેન્ડ્રિક્સે 51 તથા મેથ્યુ બ્રિત્ઝે 51 રન બનાવ્યા હોવા છતાં નવ વિકેટે 185 રન બનાવી શકી હતી.