કેન્દ્રીય નેતા અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં સ્નેહમિલન કાર્યક્રમમાં સી.આર.પાટીલે પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા માટેના સંકેત આપ્યા છે. સુરતમાં સ્નેહમિલન કાર્યક્રમમાં CR પાટીલે સંગઠનને લઈને મોટું નિવેદન આપ્યું હતું અને CR પાટીલે પોતાની વિદાય માટેની વાત કરી છે.
પાર્ટીમાં એક પરિવાર એક હોદ્દાનો નિયમ: સી.આર.પાટીલ
સ્નેહમિલન કાર્યક્રમમાં સી.આર.પાટીલે કહ્યું કે હું ઈચ્છું છું કે મારી વિદાય થાય અને કોઈ નવા વ્યક્તિને તક મળે, નવા આવે એને અભિનંદન પણ તેમને પાઠવ્યા. વાવ જીત બાદ મારી વિદાય સારી લાગશે. મારી પાસે ત્રણ હોદ્દા છે અને આપણી પાર્ટીમાં એક પરિવાર એક હોદ્દાનો નિયમ છે. તમને જણાવી દઈએ આ સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના ઘણા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
વાવની, મહારાષ્ટ્રમાં જીત બાદ સુરતમાં BJP સ્નેહમિલન
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાની વાવ બેઠક પર પેટા ચૂંટણી અને મહારાષ્ટ્ર ચૂંટણીમાં જીત બાદ સુરતમાં મજુરા ખાતે સ્નેહમિલનનું આયોજન થયું હતું. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં સંમેલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા અને ભાજપના હજારો કાર્યકર્તાઓ પણ સંમેલનમાં હાજર રહ્યા હતા.