દિવાળીના પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે દીપાવલીની ઉજવણી પૂર્વે અંતિમ છેલ્લી ઘડીની ખરીદી માટે અમદાવાદના માર્કેટ-મોલમાં મોડી રાત સુધી ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
શહેરના તમામ બજારોમાં લોકોની ભારે ભીડ
દિવાળીની ખરીદી માટે રતનપોળ બજાર, લાલ દરવાજા બજારમાં ભારે ધસારાને કારણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. બજારોમાં તહેવારો માટે નવા વસ્ત્રો, ઘરની સજાવટની ચીજવસ્તુ, રંગબેરંગી લાઈટ સહિતની વસ્તુઓની મોટા પ્રમાણમાં ખરીદી થઈ રહી છે. સામાન્ય રીતે દશેરા સાથે જ દિવાળીની ખરીદીનો પ્રારંભ થઈ જતો હોય છે. પરંતુ દિવાળી નજીક આવતા જ ખરીદીનો માહોલ જામ્યો છે. અવનવી કેન્ડલ અને ઘર સજાવટની વસ્તુઓ ખરીદવા લોકોની ભીડ જોવા મળી રહી છે.
ઓફિસ અને ઘરને શણગારવા વિવિધ લાઈટોની લોકો કરી રહ્યા છે ખરીદી
દિવાળીના પર્વને પગલે બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. અમદાવાદના લાઈટિંગ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. બજાર રોશનીની જગમગી રહ્યું છે. લોકો પ્રકાશના પર્વમાં ઘર અને ઓફિસમાં લાઈટિંગ કરવા માટે વિવિધ લાઈટોની ખરીદી કરતા જોવા મળ્યા છે. જેમાં 100 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધી લાઈટિંગ મળી રહી છે. જેમાં લાઈટિંગ દિવા, સિરીઝ, લાઈટિંગ તોરણ, સ્ટાર લાઈટિંગની પણ ડિમાન્ડ જોવા મળી રહી છે. લોકો ઘર અને ઓફિસને શણગારવા લાઈટિંગની ખરીદી કરતા જોવા મળ્યા છે.
ગરબા, ડક સ્ટાઈલના ફટાકડાનું માર્કેટમાં ધૂમ વેચાણ
દિવાળી નજીક આવતા બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. અમદાવાદના માર્કેટમાં ફેન્સી ફટાકડાનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. રૂપિયા 40થી લઈને 5000 રૂપિયા સુધીની વેરાયટીઓના અનેક ફટાકડા બજારમાં વેચાઈ રહ્યા છે. ગરબા, ડક સ્ટાઈલના ફટાકડાનું માર્કેટમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ડોરેમોન, ડ્રોન સહિતના ફટાકડાની માગ સૌથી વધુ છે. કોઠી, ચકરડી, ફૂલજરી, રોકેટ દોરી, પોપ અપ સહિતના ફટાકડાના ભાવ જોઈએ તો મોટી કોઠીના એક બોક્સના 400 રૂપિયા, નાની કોઠીના એક બોક્સના 200 રૂપિયા, ફુલજડીના એક બોક્સના 400 રૂપિયા, પોપ અપના એક બોક્સના 150 રૂપિયા અને ચકરડીના એક બોક્સના 270 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.