Demand to make Radhanpur a new district : રાજ્યમાં હાલ 33 જિલ્લાઓ છે, ત્યારે 3 નવા જિલ્લા બનાવવાને લઇને સરકારમાં વિચારણા ચાલી રહી છે. જેમાં બનાસકાંઠા, કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસણા અને ગાંધીનગર જિલ્લામાં નવા જિલ્લા બનાવવામાં આવી શકે છે. ત્યારે બનાસકાંઠામાંથી થરાદ, પાટણમાં રાધનપુર, અમદાવાદમાંથી સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાંથી વડનગરને નવા જિલ્લાનો દરજ્જો મળી શકે છે. સરકારી બાબુઓ દ્વારા આ અંગે સર્વે કરી અહેવાલ સુપ્રત કરી દેવામાં આવ્યા છે. ત્યારે વિવિધ જિલ્લાના આગેવાનો દ્વારા પોતાના વિસ્તારમાંથી નવા જિલ્લો બનાવવાની માંગ ઉઠી છે.
તાજેતરમાં પાટણ જીલ્લામાં આવેલા રાધનપુરને નવો જિલ્લો જાહેર કરવા માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇએ મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાના મત વિસ્તારને નવો જિલ્લો જાહેર કરવાની માંગ કરી છે.
સૌથી મોટું વેપારી મથક
પત્રમાં લખવામાં આવ્યું છે કે રાધનપુરને જીલ્લો જાહેર કરવાની લોકોની વર્ષો જુની પ્રબળ માંગણી છે. રાધનપુર આજુબાજુના તાલુકાઓથી મધ્યમાં આવેલું વિકસિત, વેપારી મથક અને શાંતિ પ્રિય સુંદર શહેર આવેલું છે. રાધનપુર આજુબાજુના તમામ તાલુકાના લોકો ખેડુતો દરરોજ રાધનપુર ખાતે સૌથી મોટું વેપારી મથક હોવાથી ખરીદ વેચાણ અર્થે તેમજ રાધનપુરમાં જીઈબી વર્તુળ કચેરી, નર્મદા વર્તુળ કચેરી હોઈ આજુબાજુના તાલુકાના લોકોનું દરરોજનું આવન જાવન છે.
આ પણ વાંચો : ગુજરાતમાં CBIના દરોડા, 350 અધિકારીઓની ટીમ 35 જેટલાં કોલ સેન્ટર પર ત્રાટકી
સરકારી કચેરી અને ટ્રાંસપોર્ટની સુવિધા
રાધનપુરને જીલ્લો જાહેર કરવામાં આવે તો રાધનપુરથી અંદાજીત 25-50 કીમી હદમાં આવેલા તમામ તાલુકાના લોકોના સરકારી કામો તેમજ બજાર ખરીદ વેચાણના કામો રાધનપુર ખાતે થશે તો લોકોને ખુબ જ સુવિધાજનક રહેશે. કચ્છથી ગુજરાત, દિલ્લીથી સમગ્ર ભારતને જોડતી રેલવે સુવિધા માટે રેલવે સ્ટેશન તેમજ તે રીતે રોડ કનેક્ટિવીટી માટે નેશનલ હાઈવે, ભારત માલા રોડ અને સ્ટેટ હાઈવે રોડ આવેલા છે. રાધનપુર શહેરમાં સબ ડીસ્ટ્રીક રેફરલ હોસ્પિટલ તેમજ સબ ડિસ્ટ્રક કોર્ટ આવેલી છે.
મહત્વની કચેરીઓ આવેલી છે
બસ સ્ટેન્ડ ડેપો, માર્કેટ યાર્ડ, બજાર, હોટલો, મોટા શોપિંગ સેન્ટરો, સોસાયટીઓ, શેરીઓ તમામ બેન્કો, બાલવાટીકાથી માસ્ટર ડિગ્રી સુધીની શૈક્ષણીક સંસ્થાઓ, તમામ પ્રકારની હોસ્પિટલો, સેવાકીય સંસ્થાઓ, તમામ પ્રકારના વાહનોના, ડિલરો નગરપાલીકા, પોસ્ટ ઓફીસ, નાયબ કલેક્ટર IAS ની કચેરી, તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ તમામ પ્રકારની સરકારી ઓફિસો આવેલી છે. રાધનપુરને જીલ્લો બનાવવા માટે જોઈતી તમામ પ્રકારની સુવિધાઓ છે. આમ રાધનપુર ને જીલ્લો બનાવવા માટે રાધનપુર સહિત તેની આજુબાજુના તમામ તાલુકાઓના લોકોની પ્રબળ માંગણી હોઈ રાધનપુરને જીલ્લો જાહેર કરવા માટે મારી ખાસ ભલામણ છે.
રાધનપુરના પૂર્વ ધારાસભ્યએ પણ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરબાદ હવે રાધનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ કરી છે. છેલ્લા 20 વર્ષોથી રાધનપુરને જિલ્લો જાહેર કરવા લોકોએ માંગ કરી છે. ત્રણ જિલ્લાના નવ તાલુકાનો સમાવેશ કરી નવો જિલ્લો જાહેર કરવામાં આવે.
થરાદને પણ જિલ્લો બનાવવા રજૂઆત
બનાસકાંઠા જિલ્લામાં થરાદ નવો જિલ્લો બનાવવા વર્ષોથી અનેક રજૂઆતો થઈ ચૂકી છે. ઉચ્ચ અધિકારીઓએ પણ આ અંગે સર્વે કરી સરકારમાં અહેવાલ મોકલી આપ્યો હતો. ત્યારે હવે સરકાર દ્વારા થરાદને જિલ્લો બનાવવા વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે સરહદી તાલુકા અને ગામોના લોકોમાં આનંદ છવાયો છે. બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ જિલ્લો બને તેમજ વહીવટી કામગીરીમાં સરળતા રહે તે માટે અગાઉ અનેક રજૂઆતો થઈ ચૂકી છે. ત્યારે થરાદને જિલ્લો બનાવવાની જાહેરાતને પગલે પંથકના લોકોમાં આનંદ છવાયો છે.
વર્ષો પહેલા જિલ્લો બનાવવા સત્તાધીશો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆતો કરી હતી. જેમાં તેમની રજૂઆતોના કારણે મુખ્યમંત્રી દ્વારા જીલ્લા કલેક્ટર મારફતે થરાદ નાયબ કલેક્ટરનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. ત્યારે થરાદ નાયબ કલેક્ટરે ભૌગોલિક, વિકાસ અને સામાજિક દ્રષ્ટિએ થરાદ જિલ્લો બનાવાને યોગ્ય હોવાની હકારત્મક માહિતી સરકારને મોકલી હતી. જાણવા મળતી માહિતી અનુસાર 1948 થી કાર્યરત થરાદ પ્રાંતમાં થરાદ, વાવ,ભાભર, દિયોદર અને કાંકરેજ તાલુકાઓનો સમાવેશ થતો હતો. બનાસકાંઠાના 14 તાલુકાઓની સરખામણીએ થરાદ, વાવ, સુઇગામ, ભાભર, દિયોદર અને લાખણી તાલુકાનો જિલ્લો થરાદને બનાવવાથી વહિવટી કામોમાં સરળતા ઉપરાંત વિકાસ કામગીરીને વેગ મળશે.
સુવિધાઓની સાથે સાથે રોજગારી વધશે
થરાદના અગ્રણીએ જણાવ્યું હતું કે થરાદ જીલ્લો એ આજુબાજુના પાંચ તાલુકાનું સેન્ટર છે. તેમજ પરાદ જીલ્લો બનવાથી પાંચ તાલુકાના લોકોને વહીવટી કામગીરી સરળતાથી ઉપલબ્ધ થશે અને નજીક મળશે તેમજ થરાદ જિલ્લો બનવાથી લોકોને રોજગારીમાં વધારો થશે તેમજ ઘરાદ સહિત પાંચ તાલુકાઓમાં પણ વિકાસ થશે.