વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અકોટાની મા ભારતી પ્રાથમિક શાળામાં આજે ‘નમો યુવા કોડિંગ કોર્નર’ લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. કોડિંગ એ કમ્પ્યુટર પ્રોગ્રામનો કોર્સ છે. જેના દ્વારા કોઇપણ એપ્લિકેશન બનાવી શકાય છે.
નવી ૨૦૨૦ની રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં ધોરણ-૬ થી વિદ્યાર્થીઓને કોડિંગ વિષયનો સમાવેશ કરાયો છે.શિક્ષણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે, આગામી સમયમાં શિક્ષણ સમિતિમાં વધુ નવી બિલ્ડિંગોનું નિર્માણ થવાનું છે અને તેની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પણ વધારો કરવા પ્રયાસ થશે. કોડિંગ લેબમાં શાળાને ૨.૫ લાખ રૃપિયાની કોડિંગની કીટ અને સોફટવેર મળ્યા છે. વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી કોડિંગની ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ આગામી સમયમાં પોતાની જાતે કોડિંગની મદદથી વિવિધ એપ્લિકેશન્સ બનાવી શકશે. કોડિંગ લેબનો લાભ મા ભારતી પ્રાથમિક શાળાના ૩૫૦ વિદ્યાર્થીઓને થશે. ગુજરાત સરકાર દ્વારા જે શિક્ષણ નીતિનો અમલ કરવામાં આવી રહ્યો છે તેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ પ્રથમ એવી શાળા બનશે કે જ્યાં વિદ્યાર્થીઓને કોડિંગનું શિક્ષણ અપાતું હોય. આગામી વિજ્ઞાાન મેળો યોજાશે તેમાં વિદ્યાર્થીઓએ કોડિંગ દ્વારા બનાવેલી એપ્લિકેશન પ્રદર્શિત થાય તેવા પ્રયાસ કરાશે.