રાજસ્થાનના અજમેર જિલ્લામાં દરગાહ શરીફના સર્વેને લઈને બુધવારે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ત્યારે કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે અને અરજીમાં અજમેર શરીફ દરગાહને હિન્દુ મંદિર ગણાવવામાં આવ્યું છે. આ અરજી હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા વતી દાખલ કરવામાં આવી છે.
કોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ મોકલવાનો આપ્યો આદેશ
કોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ આપવાનો આદેશ પણ આપ્યો અને આગામી સુનાવણીની તારીખ 20 ડિસેમ્બર નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ દરગાહ સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવ્યા હતા અને કાયદાકીય હસ્તક્ષેપની માગ કરી હતી. તેમણે કહ્યું કે આ મામલો ધાર્મિક લાગણીઓ અને સામાજિક સમરસતા સાથે જોડાયેલો છે, જેના ઉકેલ માટે કોર્ટનો હસ્તક્ષેપ જરૂરી છે. કોર્ટે દાવો સ્વીકાર્યા બાદ આ મામલાને વધુ ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે. કોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ મોકલીને તેમનો પક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
20મી ડિસેમ્બરે થશે સુનાવણી
હવે આ કેસની આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થશે, જ્યાં પક્ષકારોની દલીલો અને દસ્તાવેજો રજૂ કરવામાં આવશે. આ વિવાદે સામાજિક અને ધાર્મિક સ્તરે વ્યાપક ચર્ચાને જન્મ આપ્યો છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષનું કહેવું છે કે આ મામલો હિન્દુ સમાજની ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો છે. દરગાહના પ્રતિનિધિઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કોર્ટના નિર્ણય બાદ તમામની નજર આગળની કાર્યવાહી પર છે.
એક પુસ્તકના આધારે કરવામાં આવ્યો દાવો
આ પહેલા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની અરજી પર ગત મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જ્યારે કોર્ટે 27મી નવેમ્બર એટલે કે આજે તારીખ આપી હતી. વિષ્ણુ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે દરગાહ શરીફમાં શિવ મંદિર છે. જ્યારે કોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન એક ખાસ પુસ્તક પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે દરગાહમાં હિન્દુ મંદિર હતું.
દરગાહમાં હિન્દુ મંદિર હોવાનો ઉલ્લેખ
આ પુસ્તક વર્ષ 1911માં અજમેરના રહેવાસી હર વિલાસ શારદા દ્વારા લખવામાં આવ્યું હતું. આ પુસ્તકને ટાંકીને હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ પોતાની અરજીમાં કહ્યું કે પહેલા દરગાહની જમીન પર ભગવાન ભોલેનાથનું મંદિર હતું. આ શિવ મંદિરમાં પૂજા અને જલાભિષેક થતો હતો. દરગાહ સંકુલમાં હાજર 75 ફૂટ ઊંચા બુલંદ દરવાજાના નિર્માણમાં મંદિરના કાટમાળના નિશાન છે. એટલું જ નહીં દરગાહના ભોંયરામાં ગર્ભગૃહ પણ છે.