આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ જગ્ગી વાસુદેવના નેતૃત્વવાળું ઈશા ફાઉન્ડેશન વિવાદમાં ફસાયું છે. ફાઉન્ડેશન પર એક રિટાયર્ડ પ્રોફેસરે આરોપ કર્યો છે કે તેમની બે પુત્રીઓને બળજબરીથી આશ્રામમાં રાખવામાં આવી છે. આ કેસ અદાલતમાં પહોંચ્યો છે.
મદ્રાસ હાઇકોર્ટે સુનાવણી દરમિયાન ઈશા ફાઉન્ડેશનને ફટકાર લગાવી હતી કે તેમણે પોતાની પુત્રીને પરણાવી છે ત્યારે તેઓ મહિલાઓને મોહમાયાથી દૂર સંન્યાસ જીવન જીવવા શા માટે પ્રેરિત કરે છે? કોર્ટના આ સવાલનો ઈશા ફાઉન્ડેશને જવાબ આપ્યો છે. ઈશા ફાઉન્ડેશને કહ્યું કે અમે કોઈને લગ્ન કરવા કે ભિક્ષુક બનવા માટે નથી કહેતાં. આ એક વ્યક્તિગત પસંદગી છે.
ઈશા ફાઉન્ડેશને કહ્યું કે, ઈશા ફાઉન્ડેશનની સ્થાપના સદ્ગુરુએ લોકોને યોગ અને આધ્યાત્મિકતા શીખવવા માટે કરી હતી. અમારું માનવું છે કે વયસ્ક વ્યક્તિને પોતાનો માર્ગ પસંદ કરવાની સ્વતંત્રતા અને બુદ્ધિ છે. અમે લોકો લગ્ન કરવા કે સાધુ બનવા માટે નથી કહેતા, કેમ કે તે વ્યક્તિગત વિકલ્પ છે. ઈશા યોગ કેન્દ્રમાં હજારો એવા લોકો રહે છે જે સાધુ નથી અને કેટલાક એવા પણ છે, જેમણે બ્રહ્મચર્ય કે સાધુતા અપનાવી છે. પોલીસ પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપશે
ઈશા ફાઉન્ડેશને આરોપ કર્યો કે, આની પહેલાં અરજીકર્તાએ અન્ય લોકો સાથે મળીને ઈશા ફાઉન્ડેશન દ્વારા બનાવાતા સ્મશાનઘાટ વિશે તથ્યોની તપાસ કરવા એક સત્યશોધ સમિતિ હોવાના ખોટા બહાને અમારા પરિસરમાં ઘૂસવાની કોશિશ કરી હતી અને પછી ઈશા યોગ કેન્દ્રના લોકો વિરુદ્ધ ગુનાખોરીની ફરિયાદ દાખલ કરાવી હતી. મંગળવારે જિલ્લાના એસપી અને જિલ્લા સમાજકલ્યાણ અધિકારીએ 150 પોલીસની ટીમ સાથે મહિલાઓના બ્રેઇનવોશ કરવાના આરોપોની તપાસ કરી હતી. તેમણે કહ્યું, પોલીસ પોતાનો રિપોર્ટ કોર્ટમાં જમા કરાવશે.