આ વખતે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાનના હાથમાં છે, પરંતુ ટીમ ઈન્ડિયાએ સુરક્ષાના કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈન્કાર કરી દીધો છે. બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ હાઇબ્રિડ મોડલ માટે તૈયાર નથી. હવે આ ટૂર્નામેન્ટને લઈને વિવાદ વધી રહ્યો છે. પાકિસ્તાન આખી ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના દેશમાં યોજવા પર અડગ છે. જો તેને ટીમ ઈન્ડિયા વગર આ ટૂર્નામેન્ટ યોજવી પડે તો પણ તે તૈયાર છે. હવે આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસિન નકવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
પાકિસ્તાનને હાઇબ્રિડ મોડલ નથી જોઈતું
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમને હાઈબ્રિડ મોડલ જોઈતું નથી, અમે સુનિશ્ચિત કરીશું કે ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાય. અમે ICCને પત્ર લખ્યો છે, અમે જવાબની રાહ જોઈ રહ્યા છીએ. હું માનું છું કે રમત અને રાજકારણને એકસાથે ન ભેળવવું જોઈએ. હું માત્ર સકારાત્મક પરિણામની આશા રાખું છું.” પાકિસ્તાન ક્રિકેટે આ અંગે ICCને પત્ર પણ લખ્યો છે. જે બાદ PCB અધ્યક્ષ મોહસિન નકવી હવે ICCના જવાબની રાહ જોઈ રહ્યા છે.
નકવીએ કહ્યું કે ICCના દરેક સભ્યને તેના પોતાના અધિકારો છે અને મને લાગે છે કે અમને કોઈ મુશ્કેલીમાં ન મૂકી શકે. ICCએ તેની વિશ્વસનીયતા વિશે પણ વિચારવું જોઈએ. ચેમ્પિયન્સ ટ્રોફી માટે દરેક ટીમ પાકિસ્તાન આવવા માટે તૈયાર છે. જો ભારતને કોઈ ચિંતા હોય તો હું તેમને અમારી સાથે વાત કરવાનું સૂચન કરું છું.
જલ્દી શેડ્યૂલ કરાશે જાહેર
હવે દરેક ક્રિકેટ ચાહક ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલની રાહ જોઈ રહ્યા છે. જે બાદ PCBને આશા છે કે ICC ટૂંક સમયમાં મોટો નિર્ણય લેશે અને આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરશે. જે બાદ ટૂંક સમયમાં સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે.