– સરથાણા સીમાડામાં સ્ટોન ચોંટાડવાની શીટ બનાવતા યુનિટમાં ભાડેથી ખાતું ચલાવતા જયેશ વસોયા ગ્રાઈન્ડર મશીનથી કેમિકલ પાતળું કરતા હતા ત્યારે આગ બાદ પાસેનું કેમિકલ સળગ્યું હતું
– ત્રીજા માળે પતરાના શેડમાં ચાલતા ખાતામાં કોઈ ફાયર સેફટીના સાધનો ન હોય ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુર્ઘટના સર્જાઈ હતી
સુરત, : સુરતના સરથાણા સીમાડા વાલમનગરમાં સ્ટોન ચોંટાડવાની શીટ બનાવતા યુનિટના શેડમાં આગ લાગતા એક કારીગરના મોતની ઘટનામાં સરથાણા પોલીસે ભાડેથી ખાતું ચલાવતા કારખાનેદાર વિરુદ્ધ બેદરકારી દાખવતા દુર્ઘટના સર્જાયાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.કારખાનેદાર ગ્રાઈન્ડર મશીનથી કેમિકલ પાતળું કરતા હતા ત્યારે મશીન છટકીને તેમાં શોર્ટ સર્કિટ થતા બાજુમાં રાખેલા કેમિકલમાં ધડાકાભેર આગ લાગી હતી.ખાતામાં કોઈ ફાયર સેફટીના સાધનો ન હોય ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુર્ઘટના સર્જાઈ હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત શહેરના છેવાડે આવેલા સીમાડા નાકા વાલમનગર સ્થિત ઘર નં.102 ના બીજા માળે સ્ટોન ચોંટાડવાની શીટ બનાવતા યુનિટના શેડમાં ગત સવારે અચાનક આગ ફાટી નીકળતા કારખાનેદાર જયેશ વસોયા સહિત 9 વ્યક્તિ દાઝી ગયા હતા અને તે પૈકી પરેશ ગોવિંદ વસાવાનું મોત નીપજ્યું હતું.આ અંગે ગત મોડીરાત્રે ત્યાં ત્રણ દિવસ અગાઉ જ સાડીમાં ડાયમંડ લગાવવાની નોકરીએ જોડાયેલા અવીનાશ સમીરભાઈ વસાવા ( ઉ.વ.21, મૂળ રહે.ચિતલદા, તા.ઉમરપાડા, જી.સુરત ) એ કારખાનેદાર જયેશભાઈ બાબુભાઈ વસોયા ( રહે.ઘર નં.65, સુવિધા રો હાઉસ, સીમાડા ગામ, સરથાણા, સુરત ) વિરુદ્ધ બેદરકારી દાખવતા દુર્ઘટના સર્જાઈ હોવાની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધાવી હતી.
તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સવારે તમામ કારીગર કામ કરતા હતા ત્યારે ભાડેથી ખાતું ચલાવતા કારખાનેદાર જયેશ વસોયા શીટ બનાવવાના મશીનની બાજુમાં પ્લાસ્ટીકના પીપમાં રાખેલા કેમિકલને ગ્રાઈન્ડર મશીનથી પાતળું કરતા હતા ત્યારે 9.30 વાગ્યે તેમના હાથમાંથી ગ્રાઈન્ડર મશીન છટકીને તેમાં શોર્ટ સર્કિટ થતા કેમિકલમાં ધડાકાભેર આગ લાગી હતી.આગ થોડીવારમાં જ સાડીના ખાતામાં પ્રસરી હતી અને ત્યાં કોઈ ફાયર સેફટીના સાધનો ન હોય વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુર્ઘટના સર્જાઈ હતી.કારખાનેદાર જયેશ વસોયા પણ દાઝી જતા હાલ સારવાર હેઠળ હોય તેને રજા આપ્યા બાદ પોલીસ તેની ધરપકડ કરશે.વધુ તપાસ પીએસઆઈ એમ.જી.લીંબોલા કરી રહ્યા છે.