રૂા. 11 લાખના અનાજના જથ્થા અંગે નાફેડ દ્વારા પોલીસ ફરિયાદ : ગોડાઉનમાં કેટલીક બોરીઓ ઉપર નાફેડના ટેગ લગાડવામાં આવ્યા હોવાની જાણ થતાં ચોરીની ફરિયાદના આધારે હાથ ધરાતી પોલીસ તપાસ
ધોરાજી, : ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામે રહેણાંકમાં ભાડે રખાયેલા ગોડાઉનમાં બાતમીના આધારે તંત્ર દ્વારા દરોડો પડાતા તેમાંથી 487 બોરી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાની અમુક બોરી પર નાફેડના ટેગ લગાડેલા હોઈ આ અંગે જાણ કરાયા બાદ 4 દિવસ પછી અંતે નાફેડ દ્વારા ખાનગી એજન્સીના સર્વેયર સામે અનાજની ચોરીની ફરિયાદ નોંધાવાતા ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે.
ધોરાજીના મોટી વાવડી ગામે બાતમીના આારે ધોરાજી મામલતદારે ચેકિંગ કરતા ભાડે રખાયેલા રહેણાંકમાં ગોડાઉન બનાવી તેમાં રખાયેલા 487 બોરી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ અનાજની બોરીઓ પૈકી અમુક ઉપર નાફેડના ટેગ હોવાથી તંત્ર દ્વારા નાફેડના અધિકારીઓને જાણ કરાઈ હતી.
અંતે જથ્થો મળ્યાના ચાર દિવસ બાદ નાફેડના સિનિયર ફિલ્ડ એકઝીકયુટીવ દિવ્યેશભાઈ પ્રવિણભાઈ ઠુમ્મરે ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખાનગી એજન્સીના સર્વેયર અને શકદાર આરોપી જયદીપભાઈ રમેશભાઈ અપારનાથીએ નાફેડ હસ્તકની કોઈપણ જગ્યાએથી ચણાની 236 બોરીઓ, રાયડાની 90 બોરીઓ તથા તુવેરની 25 બોરીઓ મળી 11 લાખની કિંમતની બોરીઓની ચોરી કરી હોવાથી ફરિયાદ નોંધાવતા ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે.