પહેલી નવેમ્બરથી GST ઓથોરિટીને દંડ, વ્યાજ માફ કરવાની સત્તા મળી
સરકારે ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) કાયદામાં ફેરફાર અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ સાથે ટેક્સની બાકી રકમ પરનું વ્યાજ અને દંડ માફ કરવા માટે પણ જીએસટી ઓથોરિટીને સત્તાઓ આપી છે. આ ફેરફાર પહેલી નવેમ્બરથી લાગુ થશે, એમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્મટ્સ (સીબીઆઈસી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું. સરકારે આ અંગે સેક્શન 128એ હેઠળ નિયમોમાં સુધારા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. નોંધનીય છે કે, સેક્શન 128 હેઠળ દંડ કે ફીને માફ કરવામાં આવે છે.
જીએસટી કાઉન્સિલ દ્વારા પણ આ સુધારાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં કાઉન્સિલની યોજાયેલી 53મી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો હેતુ ટેક્સની અરજીઓ ઘટાડવા માટે હતો. એવા મામલામાં જ્યાં કરચોરી ઈરાદપૂર્વક કરવામાં આવી ન હોય અથવા કાયદાનું કે ઈન્ડસ્ટ્રી પ્રથાનું ખોટું અર્થધટન કરવામાં આવ્યું હોય. કેન્દ્રીય નાણાંપ્રધાન અને કાઉન્સિલના ચેરપર્સન નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, અમારો હેતુ જીએસટીને સરળ, સાદગીપૂર્ણ અને બિનબોજારૂપ બનાવવા માટેનો છે.
ઉલ્લેખિત સમય દરમિયાન ઈનપૂટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)ના કોઈપણ ચૂકી ગયેલા દાવા અને બિઝનેસ સુધારા અંગે સક્ષમ બનાવતી જોગવાઈ અંગેનું જાહેરનામું પણ જીએસટી કાઉન્સિલ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જેનો અમલ 27મી સપ્ટેમ્બરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. વિવાદો કે ગત આઈટીસીની અપાત્રતાના જોખમને ઘટાડવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું. આ સંયુક્ત ફેરફારો એ સૂચવે છે કે, સરકાર જીએસટીને વધુ અસરકારક બનાવવા, પાલન આડેના અવરોધો દૂર કરવા અને બિઝનેસ ફ્રેન્ડલી બનાવવા કટિબદ્ધ છે.