માર્કેટ નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ પ્રમોટર્સ અથવા પ્રમોટર્સ કંપનીઓ પાસેથી લીધેલી લોનની ચુકવણી માટે શેર વેચાણની રકમનો ઉપયોગ કરતી કંપનીઓ સામે વાંધો ઉઠાવ્યો છે.
સેબીના આ વાંધાને કારણે ઘણાં આઈપીઓમાં વિલંબ થયો છે. કંપનીઓને કહેવામાં આવ્યું છે કે, તેઓ પોતાની આવકના ઉપયોગની પ્રક્રિયામાં બદલાવ કરે અથવા અન્ય નાણાંકીય રૂટનો ઉપયોગ કરી પ્રમોટર્સને નાણાંની ચૂકવણી કરે. પોતાના આઈપીઓ માટેના સમર્થનના દસ્તાવેજમાં કંપનીઓએ દર્શાવવું પડશે કે, તેઓ એકત્ર કરેલા ફંડનો ઉપયોગ કયા હેતુ માટે કરશે. અલબત્ત મર્ચન્ટ બેન્ક્સએ સેબી સમક્ષ રજૂઆત કરી છે કે, તે આ મામલે ફરી વિચારણા કરે.
કેપિટલ માર્કેટના નિયમન હેઠળ, એવો કોઈ નિયમ નથી કે જેથી કંપનીઓને પ્રમોટર્સ કે પ્રમોટર્સ ગ્રુપની કંપનીઓ પાસેથી લેવામાં આવેલી લોનના રિપેમેન્ટ માટે આઈપીઓની રકમનો ઉપયોગ કરતાં અટકાવી શકાય. પણ હવે સેબીએ એવો ઈરાદો વ્યક્ત કર્યો છે કે, આ અંગેના ડોક્યુમેન્ટ્સને ક્લીયર કરવામાં ન આવે. અલબત્ત એવા ઘણાં ઓછા આઈપીઓ છે, જે સેબીના આ નિર્ણયને કારણે અટકી પડયા છે. કેટલાક કેસોમાં સેબીએ કંપનીઓને નાણાંકીય સંસ્થાઓ પાસેથી પ્રમોટર લોનને પુનર્ધિરાણ કરવા અને પછી આઈપીઓના નાણાંમાંથી પ્રમોટર લોનની સીધી ચૂકવણી કરવાને બદલે નાણાંકીય સંસ્થાઓને ચુકવણી કરવા માટે આઈપીઓ પ્રક્રિયાનો ઉપયોગ કરે તેમ જણાવ્યું છે.