સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા મર્ચન્ટ બેન્કર્સ અંગેના નિયમોની સમીક્ષાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
જેના પરિણામે એવી સંભાવના છે કે, સેબીની આ કાર્યવાહી બાદ 100થી વધુ નોંધાયેલા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ બિઝનેસમાંથી બહાર થઈ શકે છે. ગત મહિને સેબીના કન્સ્લટેશન પેપર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મર્ચન્ટ બેન્કર્સ માટે ઘણાં નવા નિયમો પ્રસ્તાવિત કરાયેલા હતા. જેમાં એક નિયમ બેન્કરનું લાયન્સ રદ્દ કરવાની વાત પણ સામેલ છે. સેબીએ પોતાની દરખાસ્તમાં જણાવ્યું હતું કે, જો મર્ચન્ટ બેન્કર્સ કોર મર્ચન્ટ બેન્કિંગ પ્રવૃત્તિઓમાંથી ચોક્કસ માત્રામાં આવક ન મેળવતા હોય તો તેમનું લાઈસન્સ રદ્દ કરવામાં આવે. નિયમોમાં સુધારાના પ્રસ્તાવ અંગે આ ઈન્ડસ્ટ્રીના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, સૂચિત ફેરફારો સંભવતઃ નિષ્ક્રિય થઈ ગયેલી અથવા ફક્ત મુખ્ય રોકાણ બેન્કિંગ પ્રવૃત્તિઓમાં સંકળાયેલી સંસ્થાઓના ઉદ્યોગને ખતમ કરી દેશે. જો કે સેબીની આ કવાયત ખૂૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે, મર્ચન્ટ બેન્કર્સ માટેના વર્તમાન નિયમનકારી માળખામાં લાયસન્સ રદ્દ કરવા સંબંધિત કોઈ જોગવાઈ નથી.
સેબીના કન્સલટેશન પત્રમાં એવી દરખાસ્ત કરવામાં આવી છે કે, જ્યારે જ્યારે સૂચિત નિયમો લાગુ કરવા માટે તમામ વર્તમાન મર્ચન્ટ બેન્કર્સને તેમની નેટવર્થ વધારવા માટે બે વર્ષનો સમય આપવો જોઈએ.સેબીએ મર્ચન્ટ બેન્કર્સ રેગ્યુલેશન્સમાં સુધારો કરવાની યોજના બનાવી છે. મર્ચન્ટ બેન્કર્સ માટેના નિયમો 1992માં ત્રણ દશક કરતાં વધુ સમય પહેલાં ઘડવામાં આવ્યા હતા. ગત મહિને બહાર પાડવામાં આવેલા એક કન્સલ્ટેશન પેપરમાં મર્ચન્ટ બેન્કર્સ માટે કડક ધોરણોની દરખાસ્ત કરવામાં આવી હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નિશ્ચીત રૂપે બેન્કરને ઉદ્યોગમાંથી બહાર કરવાથી કોઈ ખાસ અસર પડવાની સંભાવના નથી. કેમ કે, જે મર્ચન્ટ બેન્કર્સને બિઝનેસમાંથી બહાર કરવામાં આવશે તેમાં મોટાભાગના એવા એકમો હશે જેઓ પહેલાથી જ નિષ્ક્રિય થયેલ છે અને હાલ નામ પૂરતું સેબીનું લાઈસન્સ ધરાવે છે.
સેબીના કન્સલટેશન પેપરમાં શ્રોણી એકના મર્ચન્ટ બેન્કોરનો ઉલ્લેખ કરતાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ મર્ચન્ટ બેન્કર સંચાલનના સંયુક્ત આધાર પર છેલ્લા ત્રણ વર્ષોમાં ઓછામાં ઓછી રૂ.25 કરોડની રેવન્યૂ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગઈ હશે તો તેવા મર્ચન્ટ બેન્કરનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવશે. વર્ગ એક મર્ચન્ટ બેન્કર તરીકે નોંધણી માટે કોઈ એકમને લઘુત્તમ રૂ.50 કરોડની સંપત્તિની આવશ્યકતા રહેશે. જે વર્તમાન આવશ્યકતાના રૂ.પાંચ કરોડથી દસ ગણી વધુ રકમ છે. આ વચ્ચે વર્ગ બે મર્ચન્ટ બેન્કર માટે રૂ.દસ કરોડની સંપત્તિનો નિયમ રહેશે. તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં સંયુક્ત રીતે રૂ.પાંચ કરોડની મહેસૂલ પ્રાપ્ત કરી હોય તેવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. સેબીના આ સુધારાની પ્રક્રિયા અંગે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, માર્કેટ રેગ્યુલેટરના નવા પ્રસ્તાવોથી બિન-ગંભીર કે નિષ્ક્રિય સંસ્થાઓ આ બિઝનેસના બહાર થઈ જશે. એવી ઘણી સંસ્થાઓ છે કે, જેઓ વારસાગત સમસ્યાઓના કારણે મર્ચન્ટ બેન્કિંગનું લાયન્સ ધરાવે છે. પરંતુ તેઓ આ બિઝનેસમાં ભાગ્યે જ સક્રિય છે. તેઓ નિયમોનું પાલન કરવા માટે વધારાના રૂપિયા ચૂકવવાને બદલે લાયસન્સ છોડી દેવાનું પસંદ કરશે. સૂચિત નિયમો જો અમલમાં મૂકવામાં આવે તો મુખ્ય બોર્ડ સેગમેન્ટ અને એસએમઈ પ્લેટફોર્મમાં કાર્યરત મર્ચન્ટ બેન્કર્સના સંદર્ભમાં પણ સ્પષ્ટ વિભાજન જોઈ શકે છે. જ્યારે હાલમાં તમામ સેબી રજિસ્ટર્ડ મર્ચન્ટ બેન્કર્સને મુખ્ય બોર્ડ અને એસએમઈ આઈપીઓનું સંચાલન કરવાની છૂટ છે. સૂચિત નિયમો જણાવે છે કે, કેટેગરી બે મર્ચન્ટ બેન્કર્સ જેની નેટવર્થ ઓછી હશે તેઓ મુખ્ય બોર્ડ આઈપીઓ માટે આદેશ હાથ ધરી શકતા નથી.