સ્વીગી નવેમ્બરમાં આવનારા તેના સૂચિત આઇપીઓ દ્વારા કુલ રૂ. 10,000 કરોડનું ભંડોળ એકત્ર કરવાનું આયોજન ધરાવે છે.
ત્યારે આઇપીઓ પહેલાં જ કેટલા હાઇ નેટવર્થ ઇન્વેસ્ટર્સમાં આ કંપનીના શેરમાં રોકાણ કરવા હોડ જામી છે. પહેલા માધુરી દીક્ષિતે રૂ. 345ના ભાવે કંપનીના રૂ. 3 કરોડનું મૂલ્ય ધરાવતા શેર ખરીદ્યા હોવાના અહેવાલ હતા. તે પછી મોર્ડન ઇન્શ્યુલેટર નામની એક લિસ્ટેડ કંપનીએ રૂ. 360ના ભાવે સ્વીગીના 1.38 લાખ શેર ખરીદ્યા હોવાના સમાચાર ચમક્યા હતા. જે પછી રાહુલ દ્રવિડ, અમિતાભ બચ્ચન, કરણ જોહર સહિતની હસ્તીઓએ આ કંપનીના શેર ખરીદ્યા હોવાની વાત આવતી રહી છે. આમ આ શેરનું આકર્ષણ એટલું વધ્યું છે કે જુલાઇમાં સ્વીગીના શેરનું વેચાણ રૂ. 340ના ભાવે થતું હતું જે ભાવ હાલમાં વધીને રૂ. 490 જેટલો થઇ ગયો છે. એટલે કે આમાં આઇપીઓ પહેલાં જ 40 ટકા જેટલો વધારો થયો છે. આ બાબત પ્રિ આઇપીઓ પ્લેસમેન્ટ હેઠળ શેર ખરીદવાની લોકપ્રિયતા કેટલી વધી રહી છે તેનો સંકેત આપે છે
આગામી સમયગાળામાં સ્થાનિક પ્રાઇમરી માર્કેટમાં કેટલાક બિગ ટિકિટ ઇશ્યુ સહિત વિવિધ આઇપીઓની ભરમાર આવી રહી છે. કેટલીક મોટી કંપનીઓ જેવી કે એનએસઇ, સ્વિગી અને હ્યુન્ડાઇના આઇપીઓને લઇને રિટેલ ઇન્વેસ્ટર્સ ઘણા ઉત્સાહિત છે. જોકે આઇપીઓ લાવનારી આ કંપનીઓના હાલના અનલિસ્ટેડ શેરમાં રોકાણ કરવા માટે પણ આ રોકાણકારોમાં ઉત્સુકતા છે. જોકે લિસ્ટેડ શેરોના માર્કેટની જેમ રિટેલ ઇન્વેસ્ટર્સ અનલિસ્ટેડ શેરોના બજારથી એટલા બધા પરિચીત ન હોવાથી તેમાં રોકાણ કરવું કે ન કરવું અને કરવું તો કેવી રીતે ક્યા ભાવે કરવું એ અંગે રિટેલ ઇન્વેસ્ટર્સ અસમંજસમાં છે. આનું કારણ એ પણ છે કે અનલિસ્ટેડ સિકયુરીટીઝનું માર્કેટ લિસ્ટેડ જેટલું પારદર્શી નથી અને તેના અનેક સમીકરણો સમજવા અઘરા છે. આવા સંજોગોમાં અનલિસ્ટેડ માર્કેટમાં કંપનીઓના શેરનું વેચાણ કેવી રીતે થાય છે અને આવી કંપનીઓના શેરોના ભાવ ક્યા પરિબળોના આધારે નક્કી થાય છે તે જાણવું રસપ્રદ થઇ પડશે.
જે કંપનીઓએ શેરબજારમાં લિસ્ટિંગ કરાવ્યું ન હોય એવી કંપનીઓના શેરોની માલિકી પ્રમોટર્સ, વેંચર કેપિટલ ફંડ કે પ્રાઇવેટ ઇક્વિટી ફંડની હોય છે. લિસ્ટિંગ ન ધરાવતી હોય એવી કંપનીઓ સામાન્ય રીતે ટેકનોલોજી જેવા ઊભરતા ક્ષેત્રે કાર્યરત હોય છે. જોકે આવી કંપનીઓના કારોબાર અને તેમના કાર્યક્ષેત્રે તેમનું પ્રભુત્ત્વ વગેેરે અંગે જાણકારીના અભાવના પગલે આ કંપનીઓના અનલિસ્ટેડ શેરોનું ટ્રેડિંગ તેમના જેવી જ લિસ્ટેડ કંપનીઓના શેરોના ભાવ કરતાં ઘણા ઓછા ભાવે થતું હોય છે એવો મત નિષ્ણાતો ધરાવે છે. હાલમાં અનલિસ્ટેડ કંપનીઓમાં કેટલીક મોટા ગજાની કંપનીઓની વાત કરીએ તો તેમા નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ), સ્વિગી, ટાટા કેપિટલ, ઓયો હોટલ્સ, વારિ એનર્જીસ, એચડીબી ફાયનાન્સિયલ સર્વિસીસ, ચેન્નઇ સુપર કિંગ્સ, અર્બન કંપની વગેરેનો સમાવેશ થાય છે.
ડિમેટ એકાઉન્ટ ધરાવતા કોઇ પણ રોકાણકાર લિસ્ટેડ શેરોમાં આસાનીથી રોકાણ કરી શકે છે. જોકે અનલિસ્ટેડ શેરોની ખરીદી કે વેચાણ કરવું એ એટલું સહેલું નથી. આવા શેરોનું વેચાણ કોઇ બ્રોકરેજ કે ઓવર ધ કાઉન્ટર (ઓટીસી) માર્કેટના માધ્યમથી થાય છે. રિટેલ ઇન્વેસ્ટર્સ જો આવા અનલિસ્ટેડ શેરો ખરીદવા માંગતા હોય તો તેમને પ્રાઇવેટ પ્લેસમેન્ટ કે ઓફ-માર્કેટ ટ્રાન્ઝક્શન દ્રારા આવા શેરો ખરીદવા પડે છે. અનલિસ્ટેડ સિક્યુરીટીઝના ખરીદ વેચાણ માટેની સવલત કેટલાક ઓનલાઇન પ્લેટફોર્મ પૂરી પાડે છે. આ ઉપરાંત કેટલીક કંપનીઓ દ્રારા તેના કર્મચારીઓને એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન્સ (ઇ-સોપ્સ) આપવામાં આવતા હોય છે. આ પ્રકારે જે કર્મીઓેને શેર મળ્યા હોય તેમની પાસેથી પણ ઇન્વેસ્ટર્સ અનલિસ્ટેડ કંપનીના શેરની ખરીદી કરી શકે છે.
જોકે નિષ્ણતોના મતે અનલિસ્ટેડ કંપનીઓના શેર ખરીદવા માટે ઉપલબ્ધ તો બનતા હોય છે પરંતુ હકીકતમાં સૌથી જટિલ પ્રશ્ન આવી કંપનીઓના શેરની ખરીદી ક્યા ભાવે કરવી એ છે. ખાસ કરીને માહિતીનો અભાવ હોવાના કારણે આ બાબત નક્કી કરવી મુશ્કેલ કાર્ય બની જાય છે. લિસ્ટેડ કંપનીઓની જેમ અનલિસ્ટેડ કંપનીઓને તેમના આર્થિક પરિણામો જાહેર કરવા એ ફરજિયાત નથી. આથી આવા પરિણામો ઉપલબ્ધ ન બનતા રોકાણકારો માટે અનલિસ્ટેડ કંપનીના શેરનું સાચું મૂલ્ય શું છે તે કેવી રીતે નક્કી કરવું મુશ્કેલ છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે લિસ્ટેડ કંપનીની જેમ અનલિસ્ટેડ કંપનીઓના શેરમાં તરલતા પણ ઓછી હોય છે. એટલે કે કોઇ પણ રોકાણકાર લિસ્ટેડ કંપનીની જેમ ધારે ત્યારે શેરબજાર ચાલુ હોય ત્યારે પળવારમાં અનલિસ્ટેડ કંપનીના શેર વેચી શકતા નથી, કારણ કે સામે કોઇ ખરીદવા માટે તૈયાર હોય ત્યારે જ શેરનો સોદો થઇ શકે છે.
અનલિસ્ટેડ કંપનીઓના શેરનો ભાવ નક્કી કરવામાં આવી કંપનીઓના કારોબારનું કદ, કારોબારની વૃદ્ધિ માટેની ક્ષમતા અને કંપની સાથે સંકળાયેલા જોખમો પણ ભાગ ભજવે છે. જો અનલિસ્ટેડ કંપનીના કારોબારનું કદ પ્રમાણમાં નાનું હોય અને કારોબાર શરૂ કર્યાને લાંબો સમય પણ ન થયો હોય તો એવી કંપનીઓમાં રોકાણ સાથે વધુ જોખમ રહેલું હોય છે. જો જોખમ વધારે હોય તો શેરનો ભાવ નીચો થઇ જાય છે. જોકે કોઇ કંપની તેના કારોબારમાં ટૂંક સમયમાં પણ અસાધારણ વૃદ્ધિ નોંધાવે તો તેના શેરનું આકર્ષણ વધે છે અને ભાવ ઊંચા જાય છે. આ ઉપરાંત હાલમાં ભારતના કેટલાંક સ્ટાર્ટ અપમાં જોવા મળે છે તેમ જો કોઇ કંપનીમાં વેંચર કેપિટલ ફંડ દ્રારા મોટું રોકાણ કરવામાં આવ્યું હોય તો આ ફંડના પીઠબળને કારણે પણ કંપનીના કારોબાર સાથે જોખમ સંકળાયેલું હોય તેમ છતાં તેના શેરનું મૂલ્ય ઊંચું જાય છે.
આમ છતાં અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરવા સામેનો સૌથી મોટો પડકાર તરલતાનો અભાવ છે. લિસ્ટેડ કંપનીના શેર વેચવાનું તમે નક્કી કરો કે તરત જ વધતાં ઓછા ભાવે આ શેર શેરબજારમાં ઓનલાઇન જ વેચાઇ જાય છે. બીજી તરફ અનલિસ્ટેડ કંપનીના શેરનું વેચાણ કરવું હોય તો તરત ગ્રાહક ન પણ મળે એ શક્ય છે અને કેટલીક વખત તો આવા શેરના વેચાણમાં અનેક અઠવાડિયા કે મહિનાનો સમય વીતી જાય એ પણ શક્ય છે. બીજી વિચારવા જેવી બાબત એ છે કે લિસ્ટેડ ન હોય એવી કંપનીઓના કારોબાર અંગે સંપૂર્ણપણે પારદર્શિતા હોતી નથી. આથી કંપનીના માથે કોઇ છૂપી જવાબદારી કે દેણું હોય તો તેની જાણ રોકાણકારને પાછળથી જ થાય એ શક્ય છે. આ ઉપરાંત આવી કંપનીઓના પ્રમોટર્સ દ્રારા કોઇ મહત્ત્વપૂર્ણ માહિતી છુપાવવામાં આવી હોય અને તેના કારણે રોકાણકાર છેતરપિંડીનો ભોગ બને એવું પણ શક્ય છે. અનલિસ્ટેડ કંપનીના શેરનુ વેચાણ કરવું હોય તો આવી કંપનીઓ આઇપીઓ લાવે તો વેચાણ માટે સારો વિકલ્પ મળી રહે છે. અન્યથા ખાનગી રોકાણકારને વેચાણ ક્યારે થાય એ નક્કી હોતું નથી. આ બન્ને વિકલ્પોમાં અનિશ્ચીતતા તો રહેલી જ છે. બીજી સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે અનલિસ્ટેડ કંપનીઓને નિયમનકારી જોગવાઇઓ લાગુ પડતી નથી. આથી આવી કંપનીઓમાં રોકાણ કરવાનું જોખમ વધી જાય છે. બીજી તરફ અનલિસ્ટેડ કંપનીઓના શેરમાં પ્રારંભિક તબક્કે જ રોકાણ કરવાથી તગડો નફો મળે એવી શક્યતા વધી જાય છે, કારણ કે આગળ જતા કંપનીનો કારોબાર સારો રહે તો તેના ભાવમાં ઉત્તરોત્તર સારો વધારો થાય છે અને આવી કંપનીઓ લિસ્ટિંગ કરાવે ત્યારે અથવા તો આ કંપનીને કોઇ અન્ય મોટી કંપની હસ્તગત કરે ત્યારે પ્રારંભિક તબક્કામાં જ આ કંપનીના શેર ખરીદનારા રોકાણકારોને રોકાણ કરતાં અનેકગણો નફો મળે છે.