શહેરી બજારોમાં ડુંગળીનો જથ્થો ઝડપથી પહોંચી શકે તે માટે માર્ગના બદલે રેલવે દ્વારા આ પાકના જથ્થાની હેરાફેરી કરવામાં આવે તેવી શકયતા છે.
ભારતીય રસોડાઓ માટે ડુંગળી એક મહત્વપૂર્ણ વસ્તુ છે. જેના વધતાં ભાવો વચ્ચે સરકારે ઝડપી ગતિથી પાકના પુરવઠાને ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવા યોજના હાથ ધરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે હાલ ડુંગળીની માંગને પહોંચી વળવા માટે પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે. વર્તમાનમાં ડુંગળીના જથ્થાને ટ્રકો દ્વારા માર્કેટમાં પહોંચાડવામાં આવે છે. જે ડિલિવરીને ધીમી બનાવે છે. જેથી ડિલિવરીની સ્પીડ વધે માટે સરકારે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી તેમજ તહેવારોની સીઝન પહેલાં રેલવે પર પસંદગી ઉતારી છે. સરકાર ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ડુંગળીના જથ્થાને ઝડપથી પહોંચાડવા માંગે છે. માલવાહક ટ્રેનમાં ડુંગળીની ડિલિવરીની ક્ષમતા 1700 ટનની છે.
આ અંગેનો પ્રસ્તાવ હાલ અંતિમ તબક્કામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે અંગે વહેલી તકે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. હાલ સરકાર સમગ્ર દેશમાં રાહત ભાવે કિ.ગ્રા. દીઠ ડુંગળીના જથ્થાને રૂ.35માં વેચી રહી છે. ઓપન માર્કેટમાં એક કિલોગ્રામ ડુંગળીનો ભાવ રૂ.53.46 છે. આ ભાવ એક વર્ષ પહેલાના સમાન સમયમાં રૂ.33.72 હતો. દિલ્હીમાં 25મી સપ્ટેમ્બરના રોજ એક કિલોગ્રામ ડુંગળીનો ભાવ રૂ.58 હતો. જે ભાવ એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં રૂ.38 હતો. ગ્રાહક બાબતોના મંત્રાલયે હાલ આ મામલે રેલવે સાથે પરામર્શ હાથ ધરી છે કે, સલામત ડિલિવરીની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી નાસિક સહિતના ડુંગળીના મુખ્ય ઉત્પાદક સ્થળો ખાતેથી રાંચી, ગુવાહાટી, દિલ્હી-એનસીઆર અને લખનૌ જેવા શહેરોમાં ઝડપથી ડુંગળીનો જથ્થો પહોંચાડી શકાય. સૌ પ્રથમ વખત એવું બની રહ્યું છે, જ્યારે ડુંગળીના પુવરઠાને બજારો સુધી પહોંચાડવા માટે રેલવેની મદદ લેવામાં આવી રહી છે. સરકાર દ્વારા ડુંગળીના જથ્થાને રેલવે માર્ગે બજારો સુધી ઝડપથી પહોંચાડવાની પહેલ એટલા માટે હાથ ધરવામાં આવી છે કે, આ પાકના વધતાં ભાવોને નિયંત્રિત કરી શકાય.