29 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
29 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસBusiness: આયાત ડયૂટી વધતાં ખાદ્ય તેલ મોંઘું:સરકારની તેલિયા-રાજાઓને ભાવો નહીં વધારવા કાકલૂદી

Business: આયાત ડયૂટી વધતાં ખાદ્ય તેલ મોંઘું:સરકારની તેલિયા-રાજાઓને ભાવો નહીં વધારવા કાકલૂદી


લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવવામાં ભાજપનો પનો ટૂંકો પડયો હતો, જે ઘટના પરથી પદાર્થપાઠ લેતાં હવે સરકાર બે રાજયોની વિધાનસભા ચૂંટણીમાં કોઈ જોખમ લેવા માંગતી નથી.

જેથી કેન્દ્ર દ્વારા ખેડૂત મતદારોને રિઝવવા એક પછી એક ખેડૂતલક્ષી નિર્ણયો લઈ રહી છે. ઉદાહરણ તરીકે ગયા શુક્રવારે સરકારે ખાદ્ય તેલો પરની આયાત ડયૂટીવધારવાનો નિર્ણય લીધો હતો કે જેથી ખરીફ સિઝનમાં તેલબિયાનું ઉત્પાદન લેતા ખેડૂતોને સારા ભાવ મળી શકે . હાલમાં આ ભાવ એમએસપી કરતાં પણ નીચા જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આના કારણે પરિસ્થિતિ એ ઉત્પન્ન થઇ છે કે ખેડુતોને તો આ નિર્ણયના કારણે લાભ થશે ત્યારે થશે પરંતુ ખાદ્ય તેલોના ભાવમાં તીવ્ર વધારો થતાં પ્રજાને સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ આવી પરિસ્થિતિ ઊભી થતાં પોતાના પર દોષનો ટોપલો ન આવે તે માટે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલના ઉત્પાદકોની એક બેઠક બુધવારે બોલાવી હતી અને ખાદ્ય તેલોના ભાવમાં વધારો નહીં કરવા અનુરોધ કર્યો હતો. જોકે પ્રજા સારી રીતે જાણે છે કે તેલિયા રાજાઓ સરકાર સાથે સાંઠ ગાંઠ ધરાવતા હોવાથી તેઓ કોઇનું ગાંઠે એમ નથી અને પ્રજાને પીસાવાનો વારો આવ્યો છે.

સરકારે માત્ર ઔપચારિકતા ખાતર આ બેઠક બોલાવી ખાદ્ય તેલના પ્રોસેસરોને નીચા દરો પર પૂરતાં પ્રમાણમાં સ્ટોકની ખાતરી આપી છે. એટલે કે, સરકારે તેલિયા રાજાઓને એ સમજાવવાનો પ્રાયસ કર્યો છે કે, ડયૂટી વધારાઈ તે પહેલાં નીચા દરો પર આયાત કરાયેલા તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જ્યાં સુધી શૂન્ય ટકા અને 12.5 ટકા બેઝિક કસ્ટમ ડયૂટી (બીસીડી) પર આયાત કરાયેલ ખાદ્યતેલના સ્ટોકની ઉપલબ્ધતા ન થાય ત્યાં સુધી દરેક તેલની એમઆરપી જાળવવામાં આવે.

ગત અઠવાડિયે કેન્દ્રએ સ્થાનિક તેલીબિયાંના ભાવને ટેકો આપવા માટે વિવિધ ખાદ્ય તેલ પરની મૂળભૂત કસ્ટમ ડયૂટીમાં વધારો લાગુ કર્યો હતો. 14 સપ્ટેમ્બર 2024ના રોજથી ક્રૂડ સોયાબીન તેલ, ક્રૂડ પામ ઓઈલ અને ક્રૂડ સનફલાવર ઓઈલ પરની મૂળભૂત કસ્ટમ ડયૂટી શૂન્યથી વધારીને 20 ટકા કરવામાં આવી છે. જેનાથી ક્રૂડ ઓઈલ પરની લાગુ ડયૂટી 27.5 ટકા થઈ ગઈ છે. વધુમાં રિફાઈન્ડ પામ ઓઈલ, રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ અને રિફાઈન્ડ સોયાબીન ઓઈલ પરની મૂળભૂત કસ્ટમ ડયૂટી 12.5 ટકાથી વધારીને 32.5 ટકા કરવામાં આવી છે. જેનાથી રિફાઈન્ડ તેલ પર અસરકારક ડયૂટી 35.75 ટકા થઈ ગઈ છે. મંગળવારે ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ સોલવન્ટ એક્સટ્રેક્શન એસોસિએશન ઓફ ઈન્ડિયા (એસઈએ), ઈન્ડિયન વેજીટેબલ ઓઈલ પ્રોડયુસર્સ એસોસિએશન (આઈવીપીએ) અને સોયાબીન ઓઈલ પ્રોડયુસર્સ એસોસિએશન (એસઓપીએ)ના પ્રતિનિધિઓ સાથે ભાવોની વ્યૂહચના અંગે ચર્ચા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં અગ્રણી ખાદ્યતેલ એસોસિએશનોને એ સુનિશ્ચીત કરવાની સલાહ આપવામાં આવી હતી કે, ખાદ્ય તેલના રિટેલ ભાવો જાળવી રાખવામાં આવે. એસોસિએશનો તેમના સભ્યો સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવે તેવું બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. સરકાર એ વાતથી પણ માહિતગાર છે કે, નીચી ડયૂટી પર આયાત કરવામાં આવેલો ખાદ્ય તેલનો લગભગ 30 લાખ ટન સ્ટોક છે, જે 45થી 50 દિવસના સ્થાનિક વપરાશ માટે પૂરતો છે. ભારત સ્થાનિક માંગને પહોંચીવળવા ખાદ્યતેલની મોટી માત્રામાં આયાત કરે છે. આયાત પર નિર્ભરતા કુલ જરૂરિયાતના 50 ટકાથી વધુ છે. આયાતુ શુલ્ક વધારવનો નિર્ણય સ્થાનિક તેલીબિયાંના ખેડૂતોને પ્રોત્સાહન આપવાના સરકારના ચાલુ પ્રાયસોનો એક ભાગ છે.

ખાદ્ય મંત્રાલયે આયાત ડયૂટીમાં વધારો કરવાના નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, દેશમાં સસ્તાં તેલની આયાતમાં વધારો થયો છે. જે સ્થાનિક ભાવો પર નીચું દબાણ લાવે છે. આયાતી ખાદ્યતેલોની જમીની કિંમતમાં વધારો કરીને આ પગલાંનો ઉદેશ્ય સ્થાનિક તેલીબિયાંના ભાવમાં વધારો, ઉત્પાદનમાં વધારાને ટેકો આપવા તથા ખેડૂતોને ન્યાય મળે તે વાતની ખાતરી કરવાનો છે.

ડયૂટી વધારાઈ તે પછીના સપ્તાહમાં ખાદ્ય તેલના ભાવમાં 17 ટકા સુધીનો વધારો

ગત સપ્તાહે કેન્દ્ર સરકારે આયાતી ખાદ્યતેલો ઉપરની બેઝિક કસ્ટમ્સ ડયૂટીમાં વધારો કર્યો હતો. ડયૂટીમાં વધારો થવાની સાથે જ આયાત થઈ રહેલા તેલના ભાવમાં 10-17%નો વધારો થયો છે. ગત 12 સપ્ટેમ્બરે સોયાબીન તેલના 15 કિલો ડબ્બાનો ભાવ રૂ. 1,850 હતો જે 19 સપ્ટેમ્બર સુધીમાં રૂ. 200 વધીને રૂ. 2,050 ભાવ થયો છે. તેવી જ રીતે પામતેલના ડબ્બાનો ભાવ રૂ. 1,750 હતો તે રૂ. 300 વધીને રૂ. 2,050 અને સનફ્લાવર તેલનો ભાવ રૂ. 1,780 સામે રૂ. 220 વધીને રૂ. 2,000 પર પહોંચી ગયો છે. સિંગતેલનું ઉત્પાદન સ્થાનિક રીતે જ થતું હોવાથી તેના ભાવમાં કોઇ વધારો નોંધયો નથી.

પામ ઓઈલ પરની નિકાસ ડયૂટી ઘટાડવા ઈન્ડોનેશિયાની વિચારણા

ભારતે ખાદ્ય તેલની આયાત પરની ડયૂટીવધારી તેનાથી પોતાની નિકાસ પર અસર ન થાય તે માટે ઈન્ડોનેશિયાએ પામ ઓઈલ પરની નિકાસ ડયૂટી ઘટાડવાની વિચારણા હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભારત તેની ખાદ્ય તેલની જરૂરિયાતનો એક મોટો હિસ્સો ઈન્ડોનેશિયાથી આયાત કરીને સંતોષે છે. આથી દેખીતી રીતે તો આવી રીતે ઇન્ડોનેશિયા નિકાસ પરની ડયૂટી ઘટાડે તો ભારતને લાભ થાય એમ છે, પરંતુ ભારત સરકારે ખેડૂતોના લાભ માટે ખાદ્યતેલની આયાત પરની ડયૂટીવધારી છે તેની અસરને ઇન્ડોનેશિયાનું આ પગલું સરભર કરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે ઇન્ડોનેશિયા ડયૂટીમાં કેટલો ઘટાડો કરે છે. માંગમાં ઘટાડો થતાં પોતાના ખેડૂતોને સમર્થન કરવા ઈન્ડોનેશિયાએ આગામી મહિનાની શરૂઆતથી જ આ નિર્ણય લાગુ કરશે. ઈન્ડોનેશિયામાં પામ ઓઈલનું ઉત્પાદન ગયા વર્ષે 54.8 મિલિયન ટનની તુલનાએ 53 મિલિયન ટન જેટલું ઓછું રહેવાની ધારણા છે. આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઉત્પાદન ઘટીને 26.2 મિલિયન ટન થયું હતું. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 27.3 મિલિયન ટન નોંધાયું હતું. ઈન્ડોનેશિયામાં પામ ઓઈલની નિકાસ આ વર્ષના પ્રથમ છ મહિનામાં ઘટીને 15.1 મિલિયન ટન થઈ ગઈ હતી. જે અગાઉના વર્ષમાં 16.3 મિલિયન ટન હતી. ચીન અને ભારતમાં માંગ ઘટવાને કારણે ઈન્ડોનેશિયાની પામ ઓઈલની નિકાસ ઘટી હતી. ગત વર્ષે ઈન્ડોનેશિયાએ ભારત, ચીન, યુરોપિયન યુનિયન, પાકિસ્તાન અને આફ્રિકાને લગભગ 32.2 મિલિયન ટન પામ તેલની નિકાસ કરી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય