બુધવારે મોડી રાત્રે ઇરાને ઇઝરાયેલ પર 180 જેટલી મિસાઇલોથી હુમલો કર્યો તે પછી તરત જ વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળ્યા હતા અને તાત્કાલિક પ્રતિક્રિયા રૂપે ભાવમાં 5 ટકાનો ઉછાળો આવ્યો હતો.
જોકે તે પછી આ ઉછાળો ધોવાયો હતો અને ગુરુવારે સાંજે વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 3 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. નિષ્ણાતોના મતે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ઊભી થયેલી યુદ્ધ જેવી સ્થિતિ વધુ વકરે તો આગામી દિવસોમાં ક્રૂડના ભાવ વધુ ઊંચે જઇ શકે છે. જો આમ થાય તો ભારતીય અર્થતંત્ર પર તો તેની વિપરીત અસર થઇ જ શકે છે, સાથે સાથે હાલમાં ભારતીય શેરબજારમાં જે તેજી ચાલી રહી છે તેના પણ વળતા પાણી થઇ શકે છે.
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે તણાવથી ક્રૂડના ભાવ કેમ વધી શકે છે?
ઇરાન એ ઓઇલનું ઉત્પાદન કરતાં દેશોના સંગઠન ઓપેકનું એક મહત્ત્વનું સભ્ય છે. આ સભ્ય દેશ તરીકે ઇરાન પ્રતિ દિન 17 લાખ બેરલ ક્રૂડ ઓઇલની નિકાસ કરે છે. આ ઉપરાંત હોરમોઝના અખાતથી નજીક એક વ્યુહાત્મક કહી શકાય એવા સ્થળ પર આવેલું છે. ઓપેકના અન્ય સભ્ય દેશો જેવા કે સાઉદી અરેબિયા, કતાર અને યુએઇ વગેરે પર્સિયન ગલ્ફ ઉત્પાદક દેશો આ અખાતના માધ્યમથી જે તેમના ક્રૂડ ઓઇલના ઉત્પાદનની નિકાસ કરે છે. આવા સંજોગોમાં જો ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેની યુદ્ધ જેવી પરિસ્થિતિ વધુ વકરે તો ઇરાનમાંથી થતી ક્રૂડની નિકાસ ઉપરાંત આ દેશોમાંથી થતી નિકાસ પર પણ તેની વિપરીત અસર થઇ શકે છે. હાલમાં વિશ્વમાં જે કુલ ક્રૂડ ઓઇલનો સપ્લાય થાય છે તેમાંથી 40 ટકા સપ્લાય ઓપેકના સભ્ય દેશો દ્રારા કરવામાં આવે છે. પરિણામસ્વરૂપે સમગ્ર વિશ્વમાં ઉર્જાના પુરવઠા પર તેની વિપરીત અસર થઇ શકે છેે અને માંગ કરતા પુરવઠો ઓછો થતાં ભાવમાં ભડકો થઇ શકે છે.
ક્રૂડના ભાવમાં વધારો થાય તો ભારતીય અર્થતંત્ર પર તેની કેવી વિપરીત અસર થઈ શકે?
ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ દીઠ 10 ડોલરનો વધારો ભારતમાં ફુગાવાના દરને 0.3 ટકા ઊંચો લઇ જાય
માલસામાનના પરિવહન પર ક્રૂડના ભાવમાં વધારાની સીધી અસર જોવા મળે છે, જેથી માલસામાન અને સેવાઓના ભાવ વધે
ફુગાવાનો દર વધે તો અર્થતંત્રનો વૃદ્ધિદર ઘટે કારણ કે લોકોની ખરીદશક્તિ ઘટે
જો ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 10 ડોલર વધે તો ભારતની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં 12.5 અબજ ડોલરનો વધારો થાય, જે જીડીપીના 0.43 ટકા જેટલી છે
ઉપલબ્ધ આંકડા મુજબ ભારતે 2022-23માં તેની ઇંધણની કુલ જરૂરિયાત પૈકી 87.4 ટકા જરૂરિયાત આયાતથી સંતોષી હતી, જેની ટકાવારી 6 વર્ષ પહેલા 83.8 ટકા હતી. આમ ક્રૂડના ભાવ વધે તો ભારતના ક્રૂડના આયાત બિલમાં જંગી વધારો થાય
ક્રૂડની આયાતનું બિલ વધે તો ભારતમાંથી વિદેશમાં જતા ડોલરનો પ્રવાહ જંગી પ્રમાણમાં વધે, જેને પગલે રૂપિયાનું નોંધપાત્ર પ્રમાણમાં ધોવાણ થાય
રૂપિયાનું ધોવાણ થાય તો ભારતને નિકાસ મોંઘી પડે જેની સીધી અને વિપરીત અસર અર્થતંત્રના વૃદ્ધિદર પર થાય
આજે શેરબજારમાં મંદીનો માહોલ છવાય એવી શક્યતા
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેના તણાવને પગલે ગુરુવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલે અને દિવસ દરમિયાન પણ મંદીનો માહોલ જળવાઇ રહે એવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આ માટેનું બીજુ કારણ એ પણ છે કે સેબીએ એફ એન્ડ ઓ માટેના નિયમો આકરા બનાવ્યા તેનો અમલ 20મી નવેમ્બરથી થવાનો છે, પરંતુ આ નિયમોના પ્રત્યે પણ બજાર તેની નકારાત્મક પ્રતિક્રિયા આપે એવી શક્યતા નકારી શકાતી નથી.