મુહૂર્ત ટ્રેડિંગમાં ક્યા શેર ખરીદવા તેની ભલામણ અગ્રણી બ્રોકરેજ હાઉસ કરતાં હોય છે.
સંવત 2080ના મુહૂર્ત ટ્રેડિંગમાં આવી રીતે જે શેર ખરીદવાની ભલામણ કરવામાં આવી હતી તે શેરોએ સરેરાશ 6 ટકા વળતર આપ્યું છે જે એક વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટીએ આપેલા વળતરની તુલનાએ ઘણું ઓછું છે. આવા જે કુલ 12 શેરની ભલામણ કરવામાં આવી હતી તેમાંથી માત્ર 3 શેરોએ સેન્સેક્સ અને નિફ્ટીના વળતર કરતાં વધુ સારું વળતર આપ્યું છે, જ્યારે આ 12 પૈકી કોઇ પણ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સના વળતર કરતાં વધુ વળતર આપી શક્યા નથી. આ માટે કરવામાં આવેલા એક અભ્યાસમાં 11 બ્રોકરજ કંપનીઓ દ્રારા જે 83 શેરન ભલામણ કરવામાં આવી હતી તે પૈકી 12 શેરને ગણતરીમાં લેવામાં આવ્યા હતા કારણ કે આ શેરો માટે એકથી વધુ બ્રોકરેજ કંપનીઓએ ભલામણ કરી હતી. આ 12 શેરો પૈકી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક અને ગોદરેજ કન્ઝયુમર પ્રોડક્ટ્સએ 27 ટકાથી 36 ટકા જેટલું વળતર આપી મુખ્ય બે બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતાં વધુ સારું વળતર આપ્યું હતું. આમાં 36 ટકા વળતર સાથે એસબીઆઇ સૌથી મોખરે રહી છે.
ગયા વર્ષે 12મી નવેમ્બરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ યોજાયું હતું જે પછી અત્યાર સુધીમાં સેન્સેક્સ 23 ટકા જેટલો વધ્યો છે, જ્યારે નિફ્ટીમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. આની તુલનાએ બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સે 41 ટકા અને બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સે આ સમયગાળામાં 39 ટકા વળતર આપ્યું છે. અભ્યાસ હેઠળ આવરી લેવામાં આવેલા 12 ભલામણ કરાયેલા શેર પૈકી દાલમિયા સિમેન્ટ, ઝી એન્ટરટેઇનમેન્ટ અને સ્પંદના સ્ફુર્થિ ફાયનાન્સિયલે તો એક વર્ષમાં 11થી 54 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે એક પરંપરા તરીકે પ્રત્યેક વર્ષે દિવાળીના દિવસે સ્ટોક એક્સચેન્જિસ દ્રારા મુહુર્ત ટ્રેડિંગ માટેનું સેશન યોજવામાં આવે છે. આ સમયને શેર સહિતની વિવિધ અસ્કયામતો ખરીદવા માટેનો શુભ સમય ગણવામાં આવે છે. સંવત 2080માં ટોચના 75 ટકા શેર કરતાં સેન્સેક્સ અને નિફ્ટીએ વધુ સારું વળતર આપ્યું છે.