ક્લાઇમેટ ચેન્જને કારણે છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાત અને મહારાષ્ટ્રના કપાસના કુલ ખેડૂતો પૈકી 50 ટકાને ગંભીર અસર થઈ છે.
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આબોહવા પરિવર્તનને કારણે વાતાવરણ પર પ્રતિકૂળ અસર પડી છે. જેથી છેલ્લા પાંચ વર્ષોમાં પૂર અને દુષ્કાળ જેવી ઘટનાઓને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના કપાસના 50 ટકા ખેડૂતોનો પાક સંપૂર્ણ રીતે કે મોટો હિસ્સો નષ્ટ થઈ ગયો છે. યુકે સ્થિત થિંક ટેન્ક ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર એન્વિરોન્મેન્ટ એન્ડ ડેવલોપમેન્ટ (આઈઆઈઈડી) અને ઓલ ઈન્ડિયા ડિઝાસ્ટર મિટિગેશન ઇન્સ્ટિટયૂટ (એઆઈડીએમઆઈ) દ્વારા આ અંગે ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ઉક્ત ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ સર્વેમાં એવો ખુલાસો થયો હતો કે, મોજણીમાં સામેલ 360 ખેડૂતો પૈકી 50 ટકાએ જણાવ્યું હતું કે, તેમને લાંબા સમય સુધી દુષ્કાળનો સામનો કરવો પડયો હતો. ઉપરાંત તેમને ઊંચા સરેરાશ તાપમાન અને વધુ દિવસો સુધી તીવ્ર ગરમીનો સામનો કરવો પડયો હતો.
આ સર્વે સપ્ટેમ્બર 2023માં હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના સુરેન્દ્રનગર અને મહારાષ્ટ્રના સાંભાજી નગરના કોટનના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ઘણાં ખેડૂતો જમીનમાલિકો હતા. જ્યારે મોટાભાગના ખેડૂતો એવા હતા કે, જેઓ દસ એકરથી ઓછી જમીનની માલિકી ધરાવતા હતા. નોંધનીય છે કે, વિશ્વમાં ભારત કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. વર્ષ 2023માં ભારતમાં 5.84 મિલિયન મેટ્રિક ટન કપાસનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જે વિશ્વના કુલ કપાસ ઉત્પાદનનો ત્રીજો ભાગ છે. જેની વાવણી 13 મિલિયન હેક્ટર્સમાં કરવામાં આવી હતી અને કપાસની ખેતી પાછળ લગભગ 60 લાખ ધરતીપુત્રો રોકાયેલા હતા. ઉપરાંત એવું સામે આવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જને કારણે વધુ તીવ્ર ગરમીના સમયગાળાનો વારંવાર અનુભવ કરવો પડયો હતો. જેથી નાના ખેડૂતોના જીવનનિર્વાહ સામે ગંભીર જોખમ પેદા થયું હતું. ખાસ કરીને મહિલા ખેડૂતો, જે પોતાના જીવનનિર્વાહ માટે કપાસની ખેતી પર નિર્ભર રહે છે. તેમજ આ સ્થિતિ વૈશ્વિક કાપડ સપ્લાઈ ચેઈન માટે પણ જોખમી છે.