– ડોગબાઈટનો ગંભીર પ્રશ્ન છતાં સામાન્ય સભામાં ગંભીરતાના બદલે પ્રજાના સેવકોનો અટ્ટહાસ્ય
– ભાવનગર મ્યુનિસિપાલિટીની સામાન્ય સભામાં ૧૨ તુમારને સર્વાનુમતે મંજૂરી, કરોડો રૂપિયાનો ખર્ચ છતાં શહેરમાં વધેલા કૂતરાં અને રખડતા ઢોરનો ત્રાસનો ઘટવાના બદલે વધવાનો મુદ્દો સભામાં ગુંજ્યો
ભાવનગર : શહેરના વિકાસ કાર્યો, પ્રશ્નોનાના નિરાકરણની ચર્ચા-વિચારણાં અને તેના ઉકેલ માટે મહિનામાં એક વખત મળતી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક ભાજપી નગરસેવકે ડોગબાઈટના અતિ ગંભીર પ્રશ્નોની ચર્ચા દરમિયાન વાહિયાત બફાટ કરી હતી. પ્રશ્નોતરી કાળના એકાદ કલાક સુધી કૂતરાં કરડવાના ગંભીર ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે ઘણાં કોર્પોરેટરો જાણે કોઈ રંગમંચ ઉપર હાસ્ય નાટય પ્રસુતિ જોવા આવ્યા હોય તેમ પ્રજાના સેવકો અટ્ટહાસ્ય કરતા નજરે ચડયાં હતા. જે ભલા ભાવનગરવાસીઓ માટે ભુંડી વાત ગણી શકાય તેમ છે.