Abolish Eco Sensitive Zone in Gir National Park: ગીર અભયારણ્યની ચારે બાજુ ઈકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યું છે. આ જાહેરનામા મુદ્દે ગીર પંથકના ગામડામાં વિરોધના સૂર ઊઠવાનું શરુ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષોએ એક અવાજે ઈકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવાની માંગ કરી છે. સોમવારે (30મી સપ્ટેમ્બર) વિસાવદર તાલુકાના સરપંચ, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, ભાજપ- કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અધિકારી મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરી ઈકો સેન્સિટિવ ઝોન લાગુ નહીં કરવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિસાવદર પંથકમાં ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ
ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની વાત આવે ત્યારે ગીરના ગામડામાં વિરોધનો વંટોળ ફાટી નીકળે છે. વર્ષ 2016માં પણ આ અંગે વિરોધ થયો હતો. હવે વર્ષ 2024માં ફરીવાર કેન્દ્ર સરકારના વન વિભાગ દ્વારા ગીર, પાણિયા અને મિતિયાળાને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેને લઈને વિસાવદર પંથકથી વિરોધ શરુ થયો છે.
ભાજપના હોદ્દેદારો દ્વારા વિસાવદર પંથકમાંથી ઈકો સેન્સિટિવ ઝોન નાબુદ કરવાની માંગણી સાથે મુખ્યમંત્રીને સંબોધી પ્રાંત અધિકારી મારફત આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી થયો હતો. જો કે, આ જ મુદ્દે સરપંચ, અન્ય પક્ષો પણ વિરોધ કરવાના હતા. બાદમાં તમામે એકસૂરે ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવાનું નક્કી કર્યુ હતું.
ઈકો સેન્સિટિવ ઝોનથી અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થશે
ઈકો ઝોન રદ કરો… રદ કરો… નહીં ચલેગા, નહીં ચલેગા… ઈકો ઝોન નહીં ચલેગા…ના વિસાવદર પ્રાંત કચેરીમાં નારા લગાવ્યા હતા, આ કાર્યક્રમમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા, ભાજપ પ્રમુખ હરી રિબડિયા, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચ સહિતના એ રજૂઆત કરી હતી કે, ‘ઈકો સેન્સિટિવ ઝોન લાગુ થવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય તેમ છે. ખેડૂતોની જમીન બિનખેતી કરવાની હોય તેમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. ઉદ્યોગના વ્યવસાયમાં રૂકાવટ આવે તેમ છે. આવા અનેક કારણોને લીધે ગામડાનો વિકાસ રુંધાઈ જશે. અગાઉ જે સ્થિતિ હતી તે જ સ્થિતિ યથાવત્ રાખવા અને ઈકો સેન્સિટિવ ઝોનમાંથી વિસાવદર પંથકને મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી ઈકો સેન્સિટિવ ઝોન નાબુદ કરવાની જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી વિસાવદર પંથકમાં વિરોધકાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઈકો સેન્સિટિવ ઝોનનો આગામી સમયમાં ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર ગઢડા, તાલાલા, કોડીનાર, જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વિસાવદર, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા સહિતના વિસ્તારોમાં વિરોધ માટેના કાર્યક્રમો ઘડાઈ રહ્યા છે. ખેડૂતોને ભીતિ છે કે, ઈકો સેન્સિટિવ ઝોન લાગુ થવાથી અંગ્રેજોના શાસનના સમયમાં જેવી સ્થિતિ હતી તેવી સ્થિતિ થઈ જાય તેમ છે. વન વિભાગ ખેડૂતો પર હાવી થઈ જશે અને ખેડૂતોને તેના લીધે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે ગીરની આસપાસના વિસ્તારમાં ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ શરુ થયો છે. હજુ પણ સમગ્ર વિસ્તારમાં એક બાદ એક નવા વિરોધના કાર્યક્રમો શરુ થવાના છે અને તેમાં શાસક, વિપક્ષ સહિતના તમામ પક્ષો જોડાય તેવી વ્યૂહનીતિ ઘડાઈ રહી છે.