અડગ મનના માનવીને હિમાલય પણ નડતો ન હોવાના વાક્યને વાળુકડના છાત્રએ સો ટકા ચરિતાર્થ કર્યુ છે.કારણ કે, ઘોઘા તાલુકાના વાળુકડના સાધારણ પરિવારના છાત્ર કાર્તિક જાંબુચાએ વાડીના હોજમા તરવાની પ્રૅક્ટીસ કરીને જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામા ચૅમ્પિયન બનીને અન્ય છાત્રો પ્રેરણા આપી છે.
આ અંગે સાંપડતી માહિતી અનુસાર, સ્કૂલ ગેમ્સ 2024 અંતર્ગત ભાવનગરના નિલમબાગ ચોકમા આવેલા મહાનગરપાલિકાના સ્નાનાગાર ખાતે જિલ્લા કક્ષાની સ્વિમીંગ સ્પર્ધા યોજાઈ હતી, જિલ્લા કક્ષા અંડર 14 સ્વીમીંગ સ્પર્ધામાં ઘોઘા તાલુકાના વાળુકડ કે.વ.શાળાના વિદ્યાર્થી કાર્તિક જાંબુચાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 100મી. ફરી સ્ટાઈલ અને 100મી બેક સ્ટ્રોક સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને અનેરી સફળતા અંકે કરી છે. સતત બીજા વર્ષે કાર્તિક જાંબુચાએ ડબલ ચેમ્પિયનશિપની અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આગામી દિવસોમાં તેઓ રાજ્યકક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.તેઓના કોચ તરીકે વાળુકડ કે વ શાળાના શિક્ષક ચિંતનભાઈ ભટ્ટએ સેવા આપી હતી. શાળાના આચાર્ય, સી.આર.સી અને સમગ્રસ્ટાફે સફળતા બદલ છાત્રને અભિનંદન પાઠવ્યા હતા.