ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વિવિધ શહેરોમાં વરસાદ આવ્યો છે. લાંબા વિરામ બાદ ભાવનગરના અલંગ અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરના છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ ગરમી બાદ વાતાવરણ ઠંડક પ્રસરી છે. ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે.
ભાવનગરના ગ્રામ્ય પંથકો મેઘરાજાનું આગમન
ભાવનગર જિલ્લાના અલંગ પંથકમાં જાણે મેઘરાજા મહેબાન થયા હોય તેમ મન મૂકીને વરસ્યા છે. અલંગ પંથકમાં ભારે વરસાદ વરસતા પાણી-પાણી થયું છે. પંથકમાં ધોધમાર વરસાદ વરસતા અમુક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ શિપ બ્રેકિંગ યાર્ડમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાયા
અલંગ પંથકમાં રેડક્રોસ હોસ્પિટલની આસપાસ તો ઘૂંટણસમા પાણી ભરાયા છે. તમને જણાવી દઈએ રાજ્યમાં હાલમાં વરસાદને લઈને 2 સિસ્ટમ સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં 24થી લઈને 30 સપ્ટેમ્બર સુધીમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. ત્યારે બીજી તરફ નવરાત્રિમાં પણ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.