કોરોના બાદ હવે HMPV વાઇરસએ સમગ્ર દુનિયામાં ડરનો માહોલ ઉભો કર્યો છે. ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાતા હવે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. રાજ્યની તમામ હોસ્પિટલોને HMPV વાઇરસ અંગે જરૂરી ગાઇડ લાઇન આપવામાં આવી છે અને જો કોઇ દર્દી સારવાર માટે આવે તો તેના માટેની તમામ સુવીધાઓ ઉભી કરવાની સુચના આપવામાં આવી છે. તેવામાં ભાવનગર ખાતે સર ટી હોસ્પિટલમાં પણ જો HMPV વાઇરસનો કેસ આવે તો તેની સારવાર માટે ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથે નો NRC વોર્ડ તૈયાર કરાયો છે.
સર ટી હોસ્પિટલના અધીક્ષક ડો.ચિન્મય શાહે જણાવ્યું હતુ કે સર ટી હોસ્પિટલ માં હાલ પુખ્તવયના દર્દીઓ માટે 20 બેડની તેમજ બાળકો માટે 20 બેડ તૈયાર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત 20 વેન્ટીલેટર પણ તૈયાર રાખવામાં આવ્યાં છે. HMPVનો ભોગ બનતા દર્દીઓમાં શ્વસ સબંધી તકલીફ જોવા મળે છે. ખાસ કરીને શિયાળામાં આ વાઇરસનો ભોગ લોકો વધુ બને છે અને તેમાં બાળકો અને વૃદ્ધમાં આ વાઇરસના કારણે શરદી અને ફ્લુ જેવા લક્ષણો જોવા મળે છે. હોસ્પીટલ નાં અધિક્ષકે લોકોને આ અંગે સાવચેતી રાખવા સૂચનો પણ કર્યા છે. આ ઉપરાંત લોકોએ ઘબરાવવાના બદલે ડોકટર પાસે સલાહ લેવા અનુરોધ કર્યો છે તેની સાથે એન્ટીબાયોટીક દવા ડોકટર ની સલાહ વગર ના લેવા સૂચના આપવામાં આવી છે.
ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે HMPVએ હવે ભારતમાં પણ દેખા દીધી છે. ભારતનાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં આ વાઇરસનાં કેસ નોંધાયા છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં આ વાઇરસનો એક કેસ ગઈકાલે ચાંદખેડામાં નોંધાયો હતો. ત્યારે હવે સ્થિતિની ગંભીરતાને સમજી આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં 15 આઇસોલેશન બેડ તૈયાર કરાયા છે.