અસરગ્રસ્ત ખેડૂતોના વિરોધ તથા આક્રમક મુડ વચ્ચે
એક વર્ષ દરમ્યાન હાઇવે ઓથોરિટી કે સ્થાનિક તંત્રને સંપાદન-માપણીની કોઇ કાર્યવાહી કરવા દેવાઇ જ નહીં
ગાંધીનગર : ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મંબઇ સ્પેશ્યલ ગ્રીન
એક્સપ્રેસ હાઇવે તૈયાર કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૃપે થરાદ-અમદાવાદ વચ્ચે હાઇવે
તૈયાર કરવા માટે હાલ અલગ અલગ જિલ્લાઓમાં સંપાદનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત પ્રાથમિક જાહેરનામું બહાર પાડે એક વર્ષ પુર્ણ થતા નિયમોનુસાર કલોલ અને
માણસાના નવ ગામોનું જાહેરનામું આખરે રદ થઇ ગયું છે.
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચારેય
તાલુકાના ગામોમાંથી જમીન સંપાદન માટે અગાઉ વર્ષ ૨૦૨૨માં હાઇવે ઓથિરિટી દ્વારા
જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ તે વખતે ગાંધીનગર જિલ્લામાં સંપાદનની
કોઇ કામગીરી થઇ શકી ન હતી જેથી એક વર્ષ થતા વર્ષ ૨૦૨૨નું પ્રાથમિક જાહેરનામું રદ
થઇ ગયું હતું અને નવું જાહેરનામું બહાર પાડવાની ફરજ પડી હતી. જેના ભાગરૃપે
સપ્ટેમ્બર, ૨૦૨૩માં
કલોલ-માણસાના કુલ નવ ગામોમાંથી જમીન સંપાદન માટે હાઇવે ઓથોરિટીએ પ્રાથમિક
જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું અને આ વખતે એક વર્ષ થાય તે પહેલા માપણી-ખુંટ
નાંખવા તથા સંપાદનની કામગીરી કરવા માટે ઓથોરિટીએ મુડ પણ બનાવ્યો હતો પરંતુ તેની
સામે ખેડૂતો પણ અડગ અને આક્રમક મુડમાં રહ્યા હતા.
માણસાના બાલવા ગામમાં સંપાદન માટે ઓથોરિટીના પ્રતિનિધિઓ
આવ્યા ત્યારે તેમને બંધક બનાવી દેવામાં આવ્યા હતા અને માપણીની કામગીરી પણ
અસરગ્રસ્ત ખેડૂત મંડળે કરવા દિધી ન હતી.ત્યાર બાદ લોકસભાની ચૂંટણી આવતી હતી તેથી
તે વખતે જમીન સંપાદન કરવામાં આવે તો વોટબેંક તૂટે તેમ હોવાથી તે વખતે પણ ઉપરથી
મળેલી સુચના અનુસાર સંપાદનની પ્રક્રિયા કરાઇ ન હતી.તો ચૂંટણી બાદ પણ ખેડૂતોનો
આક્રમક મુડ અડિખમ રહ્યો હતો તેના કારણે પણ સ્થાનિક તંત્ર કે ઓથોરિટી પણ સંપાદનની
કામગીરી કરી શક્યું ન હતું. આખરે એક વર્ષ પુર્ણ થવાની સાથે નિયમોનુસાર આ
જાહેરનામું પણ રદ થઇ ગયું છે. ત્યારે હવે નવી જંત્રી અમલમાં આવ્યા બાદ જાહેરનામું
બહાર પાડવામાં આવે તો ખેડૂતોને સહાયમાં આર્થિક ફાયદો થાય તેમ છે.
નવી જંત્રી અમલમાં આવ્યા બાદ નવું જાહેરનામું બહાર પડે તો
ખેડૂતોને ફાયદો
વર્ષ ૨૦૧૧ની જંત્રીની બેગણી જંત્રી અમલમાં છે ત્યારે
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જો સંપાદનની પ્રક્રિયા કરાય અને ખેડૂતોને રિવોર્ડ-આર્થિક
સહાય આપવાની થાય તો તેની ચાર ગણી રકમ જમીનની સામે મળે હવે જ્યારે કલોલ અને
માણસાનું જાહેરનામું રદ થયું છે ત્યારે નવી જંત્રી અમલમાં આવ્યા બાદ સંપાદન
માટેનું નવું પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવે તો નવી જંત્રીના ચારગણી રકમ
ખેડૂતોને મળે જે હાલ મળતી આર્થિક સહાય કરતા તો વધુ જ હશે પરંતુ બજાર કિંમત કરતા તો
જંત્રી ઓછી જ હશે તે વાત પણ વાસ્તવિક છે. આવી સ્થિતિમાં સરકાર કોઇ વચ્ચેનો રસ્તો
કાઢે તો ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે જે માટે ખેડૂતોની માંગણી પણ બુલંદ બની
રહી છે.
કલોલના એક તથા માણસાના આઠ ગામોનું જાહેરનામું બહાર પડાયું
હતું
ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાંથી ભારતમાલા પ્રોજેક્ટ
અંતર્ગત હાઇવે બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવનાર છે જે માટે એક વર્ષ પહેલા
જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.આ જાહેરનામા પ્રમાણે કલોલના હિંમતપુરા વેડા
ગામમાંથી જ્યારે માણસાના આઠ ગામોમાંથી જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પડાયું
હતું જેમાં ધેધુ, બાલવા, ઇટલા, જામળા, ખાટાઆંબા, નાદરી, પરબતપુરા અને
શોભાસણ ગામનો સમાવેશ થાય છે. ઉપરાંત ગાંધીનગર તાલુકાના ૧૧ જ્યારે દહેગામના છ ગામો
માટે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેની અવધી પણ આગામી નવેમ્બર માસમાં
પુર્ણ થાય છે.