ચીનની સેનાએ ગુરુવારે કહ્યું હતું કે ભારત અને ચીનનાં સૈનિકો પૂર્વ લદાખમાં વિવાદિત પોઈન્ટ પરથી પાછા હટવાની કામગીરીમાં તાજેતરમાં થયેલી સમજૂતી મુજબ પ્રગતિ થઈ રહી છે. જો કે સૈનિકો પાછા હટાવવાની કામગીરી પૂરી થઈ છે કે કેમ અને ક્યારે પૂરી થશે તે અંગે કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
ચીનની સેનાએ 21 ઓક્ટોબરે બંને દેશો વચ્ચે સૈનિકો પાછા ખેંચી લેવા અંગે થયેલી સમજૂતી પછી પહેલીવાર ટિપ્પણી કરી હતી. ચીનનાં રાષ્ટ્રીય રક્ષા મંત્રાલયનાં પ્રવક્તા ઝાંગ શિયાઓગાંગે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ચીન અને ભારતે કૂટનીતિક તેમજ લશ્કરી માધ્યમથી સીમા પર આ મુદ્દે સમાધાન કર્યું છે. બંને દેશની સેના અગ્ર હરોળમાંથી વ્યવસ્થિત રીતે પાછી હટાવવામાં આવી રહી છે સમજૂતીને લાગૂ કરવામાં પ્રગતિ થઈ રહી છે.
સંબંધો બગડે નહીં તેવા પ્રયાસ
ઝાંગે કહ્યું કે બંને દેશો એ મુદ્દે સમંત થયા હતા કે ચીન અને ભારતે દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક રીતે અને લાંબાગાળાનાં હિતને ધ્યાનમાં રાખીને મૂલવવા જોઈએ અને ખાસ મુદ્દાઓ પર મતભેદો બંને દેશનાં સંબંધોને બગાડે નહીં તેવા પ્રયાસો કરવા જોઈએ. અમને આશા છે કે ભારત આ મુદ્દે ચીનની સાથે મળીને મહત્વની સંમતિને માર્ગદર્શન તરીકે મૂલવશે અને તેનાં પ્રસ્તાવોને લાગૂ કરીને સરહદ પર શાંતિ અને સ્થિરતા તેમજ સૌહાર્દપૂર્ણ સ્થિતિ જાળવવા પ્રયાસો કરશે. ભારતીય સેના એ બુધવારે જણાવ્યું હતું કે બંને દેશનાં સૈનિકો પૂર્વ લદાખમાં ડેમચોક અને દેપસાંગ મેદાનોમાં બે વિવાદિત સ્થળેથી પાછા હટી ગયા છે. આ પોઈન્ટ પર વહેલામાં વહેલી તકે પેટ્રોલિંગ શરૂ કરાશે.
ડેમચોક અને દેપસાંગ મુદ્દે ટિપ્પણી કરવા ચીનનો ઈનકાર
જો કે ડેમચોક અને દેપસાંગમાં વિવાદિત સ્થળેથી સેનાને પાછી હટાવી લેવામાં આવી છે કે કેમ તેવા પ્રશ્નનાં જવાબમાં ચીનનાં પ્રવક્તાએ ટિપ્પણી કરવા ઈનકાર કર્યો હતો. આ વિવાદિત સ્થળો પર પેટ્રોલિંગ મુદ્દે પણ તેમણે મૌન સેવ્યું હતું. કર્નલ ઝાંગે કહ્યું હતું કે આ પ્રશ્ન પર જવાબ આપવા મારી પાસે કોઈ માહિતી નથી. સૈનિકો પાછા ખેંચી લેવાનાં મુદ્દે થયેલી દ્વિપક્ષીય સમજૂતી અંગે ઝાંગે કહ્યું કે ઝિનપિંગે રશિયાનાં કઝાનમાં બ્રિકસ શિખર વખતે ભારતનાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.