બહુચરાજી-કટોસણ-કડી-કલોલ બ્રોડગેજ લાઈન તૈયાર હોઈ 7-7 વર્ષથી બંધ બહુચરાજી-અમદાવાદ વચ્ચેની ટ્રેનસેવા ફરી શરૂ કરવા માંગ ઉઠવા પામી છે. રવિવારે માતાજીની નવરાત્રિનો આરંભ અને 13 દિવસ પછી તીર્થધામ બહુચરાજીમાં ચૈત્રી પૂનમનો સૌથી મોટો લોકમેળો આવી રહ્યો છે, તે પહેલાં ટ્રેનો શરૂ કરવા સ્થાનિક વેપારી એસોસીએશન દ્વારા સાંસદ, રેલમંત્રી સહિતને રજૂઆત કરાઈ છે.
બહુચરાજીને અમદાવાદથી પાટણને જોડતી ટ્રેનસેવા મીટરગેજમાંથી બ્રોડગેજ લાઈન નાખવા 7 વર્ષ અગાઉ બંધ કરાઈ હતી. લોકોને વધુ સારી સુવિધા મળશેની આશાઓ વચ્ચે સાવ ધીમી કામગીરીથી 7 વર્ષનો લાંબો સમય ટ્રેનો બંધ રહેતાં બહુચરાજી વેપારી મથકના વેપાર-ધંધાને મોટું નુકસાન થઈ રહ્યું છે. વેપારી એસોસીએશનના મંત્રી ચંપકલાલ શાહે જણાવ્યું કે, ટ્રેનો બંધ થતાં ખાસ કરીને રેલ્વે સ્ટેશન બજાર અને મુખ્ય બજારમાં તેની ખાસ અસર જણાય છે. યાત્રિકોની અવરજવર હાઈવે પર થઈ ગઈ છે. જ્યારે ટ્રેનો ચાલુ હતી ત્યારે કટોસણથી ખાંભેલ, બ્રાહ્મણવાડા સુધીના ગામલોકો ખરીદી માટે બહુચરાજી આવતા હતા. પરંતુ ટ્રેનો બંધ થઈ અને સીધી એસટી સેવાના અભાવે અંતરિયાળ ગામોના લોકો ખરીદી માટે બીજે વળી ગયા છે.
હાલ બહુચરાજીથી કટોસણ સુધી છેલ્લા દોઢ વર્ષથી સુઝુકી કંપનીની ગુડઝ ટ્રેન દોડી રહી છે. ત્યાંથી આગળ કડી-કલોલ સુધી બ્રોડગેજ લાઈનનું કામ પૂરું થઈ ગયું છે. ત્યારે 13 પછી બહુચરાજીનો સૌથી મોટો ચૈત્રી પૂનમના મેળોનો આરંભ થનાર છે. જેમાં 10 લાખથી વધુ યાત્રિકો આવતા હોય છે. જ્યારે આખા ચૈત્ર માસ દરમિયાન મા બહુચરના સાનિધ્યમાં બાબરી માટે હજારો લોકો અહીં આવતા હોય છે, ત્યારે તેના મહત્વને ધ્યાને લઈ બહુચરાજીથી અમદાવાદ સુધી ટ્રેનો દોડવાય તો વેપારીઓને વેપાર-ધંધામાં આર્થિક પ્રેરકબળ અને આમજનતાને આરામદાયક સુવિધા મળી શકે તેમ છે.
રેલવે સ્ટેશન તૈયાર, ટ્રાયલ લેવાઈ ચૂકયો છે, માલગાડી દોડે છે, ત્યારે મુસાફરો ટ્રેન શરૂ કરવા પાછળ કારણ શું?
કલોલ-કડી- બહુચરાજી- ચાણસ્મા-રણુજ બ્રોડગેજ રેલ્વે લાઈનનો રૂ.763 કરોડનો પ્રોજેક્ટ મંજૂર થતાં સાત વર્ષ અગાઉ 14 સપ્ટેમ્બર 2017થી અમદાવાદ બહુચરાજી વચ્ચે દોડતી મીટરગેજ ટ્રેનો બંધ કરાઈ હતી.હવે સ્ટેશન તૈયાર છે, કટોસણ-બહુચરાજી વચ્ચે માલગાડી દોડે છે. કટોસણથી કલોલ વચ્ચે 120ની ઝડપે ટ્રેનનો સફ્ળ ટ્રાયલ લેવાઈ ચૂકયો છે અને સમગ્ર ચુંવાળ પંથકની જનતા છેલ્લા એક વર્ષથી અમદાવાદ-બહુચરાજી વાયા કલોલ, કડી, કટોસણ વચ્ચે સાત વર્ષ બંધ થયેલી ટ્રેન પુન: ચાલુ થવાની આતુરતાથી રાહ જોઈ રહી છે. ત્યારે વિના વિલંબે ટ્રેનો શરૂ કરવી જોઈએ.