બહુચરાજી-કાલરી રેલવે ફટક વચ્ચે મહાશિવરાત્રીના જ દિવસે બપોરે ગુડઝ ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા એન્જિન બંધ પડતા ટ્રેન રેલ્વે ફટકની વચ્ચે જ બંધ થઈ ગઈ હતી. જેને કારણે મહેસાણા અને વિરમગામ હાઇવે પરનો વાહન વ્યવહાર બે કલાક સુધી સદંતર બંધ થઈ ગયો હતો.
રોડની બંને બાજુ વાહનોની 5કિલોમીટર સુધી લાઈનો લાગતા મા બહુચરના દર્શનાર્થે આવેલા યાત્રિકો સહિત હજારો યાત્રિકો હાલાકીનો ભોગ બન્યા હતા. બહુચરાજીની ટ્રાફ્કિ સમસ્યાના ઉકેલ માટે બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે. જેને બે વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી કામ શરૂ નહીં કરાતા નઘરોળ માર્ગ અને મકાન વિભાગ અને આ વિસ્તારના પ્રતિનિધિઓ સામે લોકો રોષ વ્યક્ત કરતાં સાંભળવા મળ્યા હતા. બહુચરાજી કંપનીમાં તૈયાર થયેલી ગાડીઓનો સ્ટોક ભરીને કટોસણ જવા નીકળેલી ગુડઝ ટ્રેન બુધવારે બપોરે બહુચરાજી-કાલરી રેલવે ફટક વચ્ચે જ બંધ પડી ગઈ હતી. જેને કારણે વિરમગામ, મહેસાણા અને પાટણ તરફ્નો હાઈવેનો વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો. આ રોડ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોઈ બંને બાજુ ભારે વાહનોની પાંચ- પાંચ કિલોમીટરની લાઈનો જામી હતી. તો સ્થાનિક લોકો તેમજ યાત્રિકોએ જાનના જોખમી ટ્રેનના ડબ્બાની વચ્ચેથી કૂદીને પસાર થતાં જોવા મળ્યા હતા.
MLA અને MPમાં ઈચ્છાશક્તિનો અભાવ હોય તેવું ઊપસી રહેલું ચિત્ર
દરમિયાન પોણા બે વાગ્યે અન્ય એન્જિનની મદદથી ગુડઝ ટ્રેન પરત સ્ટેશન લઈ જવામાં આવતા ફ્રી વાહન વ્યવહાર શરૂ થઈ શક્યો હતો. ઉલ્લેખનીએ છે કે, બહુચરાજીમાં ટ્રાફ્કિની સમસ્યા રોજિંદી બની ગઈ છે. વાહન પાર્કિંગની જગ્યા ના અભાવે યાત્રિકો હાઈવે પર જ વાહન પાર્ક કરી દે છે. તો કાલરી રેલવે ફટક ગુડઝ ટ્રેન નીકળતા બંધ થાય ત્યારે બંને બાજુ ટ્રાફ્કિ થાય છે. અહીં રેલવે ઓવરબ્રીજ બનાવાતો નથી. બીજી બાજુ રૂપિયા 88 કરોડના ખર્ચે હાંસલપુરથી કાલરી ગામની જોડતો 6 કિલોમીટરનો ફેરલેન બહુચરાજી બાયપાસ મંજુર થઈ ગયાને બે વર્ષ થઈ ગયા છે. પરંતુ હજુ કામ શરૂ કરાતું નથી. માર્ગ અને મકાન વિભાગના બે જવાબદાર અધિકારીઓને તો લોકોની આ સમસ્યા દેખાતી નથી.પણ પ્રજાએ જેમને ખોબલે ખોબલે મત આપીને ચૂંટયા છે.તેવા ધારાસભ્ય અને સંસદસભ્યમાં પણ ઈચ્છા શક્તિનો અભાવ હોય તેવું સ્પષ્ટ ચિત્ર જોવા મળી રહ્યું છે.