Budget iPhone SE 4 : એપલ દ્વારા હાલમાં જ આઇફોન 16 લોન્ચ કરવામાં આવ્યો છે, પરંતુ એ તેનો બજેટ આઇફોન નથી. આ સીરિઝની કિંમત આઇફોન 15 કરતાં ઓછી રાખવામાં આવી છે, પરંતુ એમ છતાં આઇફોન SE એપલનો બજેટ આઇફોન છે. આ આઇફોનના નવા મોડલમાં હવે કાયાપલટ થવા જઈ રહી છે. આઇફોન SE 4માં ઘણાં સુધારા કરવા જઈ રહ્યું હોવાના સમાચાર છે.
હોમ બટનને હંમેશાં માટે બાય-બાય
એપલ દ્વારા આઇફોન SE 4માં મેજર બદલાવ કરવામાં આવી રહ્યો છે. સૌથી પહેલાં તો એમાંથી હોમ બટન કાઢી નાખવામાં આવશે. આઇફોનની શરૂઆતથી એમાં હોમ બટન હતું જે ધીમે-ધીમે દરેક આઇફોનમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું, પરંતુ SEમાં એ હજી પણ હતું. SEમાં હોમ બટનમાં ફિન્ગર પ્રિન્ટ સેન્સર હતું જેને હવે કાઢી નાખવામાં આવશે. આ સેન્સરની જગ્યા હવે એમાં પણ ફેસ સ્કેનર લેશે. આઇફોન SEની સીરિઝને અનલોક કરવા માટે પાસકોડ અને ફિન્ગર પ્રિન્ટ દ્વારા ખોલવામાં આવતું હતું. જોકે બજેટ આઇફોન યુઝર પણ હવે ફેસ આઇડી ફીચરનો ઉપયોગ કરી શકશે.
સ્ક્રીનની સાઇઝ અને ડિસપ્લે બદલાશે
આઇફોન SE 4ની કાયાપલટ કરવામાં આવશે અને એમાં હવે 4.7 ઇંચની LCDની જગ્યાએ આઇફોન 14ની જેમ 6.1 ઇંચની OLED સ્ક્રીનનો સમાવેશ કરવામાં આવશે. બજેટ આઇફોન હોવા છતાં એમાં પ્રીમિયમ આઇફોનના ફીચર આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. એમાં ફેસ આઇડી બાદ હવે મોટી OLED સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવશે. આથી હોમ બટનની સાથે એપલ હવે LCD સ્ક્રીનને પણ બાય-બાય કહી રહ્યું છે.
શું હશે અન્ય ફીચર્સ?
આ આઇફોન SE 4માં A18 ચીપસેટનો સમાવેશ કરવામાં આવશે. તેમ જ એમાં 48 મેગાપિક્સલનો કેમેરા હોવાના ચાન્સ પણ વધુ છે. આ સાથે જ એમાં યુએસબી સી પોર્ટનો જ સમાવેશ કરવામાં આવશે. એપલ 15માં પહેલી વાર જોવા મળેલું એક્શન બટનનો પણ આ આઇફોનમાં સમાવેશ કરવામાં આવશે. તેમ જ એ આ 5G આઇફોન હશે. આઇફોન SE 4 દ્વારા એપલ એક સાથે હોમ બટન, LCD અને લાઇટનિંગ કનેક્ટરને બાય-બાય કહી રહી છે. આ આઇફોનમાં 8 જીબીની રેમ હોવાની ચર્ચા છે જે SE 3 કરતાં ડબલ હશે. જો 8 જીબીની રેમ રાખવામાં આવી તો એમાં એપલ ઇન્ટેલિજન્સ ફીચરને પણ સપોર્ટ આપવામાં આવશે.
આ પણ વાંચો: મફત નહીં રહી સેમસંગ ગેલેક્સી AI સર્વિસ: ૨૦૨૫થી શરૂ થઈ શકે ચાર્જિસ
ક્યારે આવશે આઇફોન SE 4?
એપલ આ આઇફોનને આવતાં વર્ષે માર્ચ અથવા તો એપ્રિલની આસપાસ લોન્ચ કરશે. તેમ જ એની કિંમત 400થી 500 ડોલરની વચ્ચે રાખવામાં આવશે એવી આશા રાખવામાં આવી રહી છે.
કોને પડશે અસર?
આ બજેટ મોબાઇલ હોવાથી ઘણા દેશોમાં તેના ઘણા યુઝર્સ છે અને તેથી જ એપલ દ્વારા તેના નવા વર્ઝન હજી પણ લોન્ચ કરવામાં આવે છે. આ મોડલમાં પહેલાં LCD સ્ક્રીન હતી જે જાપાન ડિસ્પ્લે અને શાર્પ દ્વારા એપલને પ્રોવાઇડ કરવામાં આવતી હતી. આ બન્ને કંપનીને હવે ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે કારણ કે એપલ હવે એ સ્ક્રીનનો ઉપયોગ નહીં કરે.